દેશ આખો રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મગ્ન છે, ત્યારે આ પર્વ પૂર્વે વીર મેઘમાયા સાતમની ઉજવણી સમયે અનુસૂચિત જાતિના અગ્રણી હિતેન્દ્ર પિઠડિયાને માર મારવાની કોઈ ધમકીને પગલે વડગામના કોંગી ધારાસભ્યના નિવેદનથી બળતાંમાં ઘી ધોમાયું હતું. ત્યારબાદ સ્થાનિક પાટણના ધારાસભ્યએ પણ પ્રતિઆક્ષેપ કર્યા હતા. આ સાથે જ ગુજરાતમાં કોંગ્રેસની આંતરિક જૂથબંધી સપાટી પર આવી હતી.
જોકે, અનુસૂચિત જાતિના અગ્રણીને જાનથી મારવાની ધમકીના મામલે કોંગ્રેસના બે ધારાસભ્યો વચ્ચે શરૂ થયેલો વિવાદ હાલ પૂરતો શાંત પડ્યો છે. પાટણમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના વિરોધમાં યોજાનાર પૂતળાદહનનો કાર્યક્રમ સામાજિક સમરસતા અને શાંતિ જાળવવાના હેતુથી મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસના ઉચ્ચ નેતૃત્વ અને સ્થાનિક અગ્રણીઓ વચ્ચેની બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે.
સમગ્ર વિવાદની શરૂઆત હિતેન્દ્ર પિઠડિયાને મળેલી ધમકી બાદ થઈ હતી. આ ઘટનામાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આક્રમક વલણ અપનાવી નિવેદનો કર્યા હતા, જેનાથી પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને તેમના સમર્થકોમાં ભારે નારાજગી ફેલાઈ હતી. બંને ધારાસભ્યો આમને-સામને આવી જતાં કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી સપાટી પર આવી હતી. કિરીટ પટેલના સમર્થકો અને વિવિધ સમાજના યુવાનોમાં મેવાણી પ્રત્યે રોષ જોવા મળ્યો હતો, જેના પગલે પાટણમાં તેમના પૂતળાદહનનું આયોજન કરવામાં આવ્યું હતું.

