સુરત એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટીને વધુ એક ઝટકો લાગવાની તૈયારી છે. એર ઈન્ડિયા એક્સપ્રેસે 1 જુલાઈ, 2026થી સુરત-બેંગકોક સેક્ટર પર ફ્લાઇટ્સ માટે બુકિંગ બંધ કરી દીધું છે. રૂટ નફાકારક ન હોવાથી આ નિર્ણય લેવાયું હોવાની વાત છે. આ નિર્ણયને પગલે મુસાફરોમાં રોષની લાગણી ફેલાઇ ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત એરપોર્ટથી કુલ 5 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન થતું હતું, જે પૈકી ત્રણ બંધ કરી દેવામાં આવી છે.
સુરત બેંગકોકની ફ્લાઇટ અઠવાડિયામાં ચાર દિવસ સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે સવારે 10.50 વાગ્યે સુરતથી ઉપડતી હતી અને સાંજે 5.10 વાગ્યે બેંગકોક પહોંચતી હતી. હવે, બુકિંગ બંધ થતાં આ રૂટ પર ફ્લાઇટ્સ જુલાઈથી સંપૂર્ણપણે બંધ થઈ જશે.
શિયાળાના સમયપત્રક દરમિયાન, અહીંથી કુલ પાંચ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન થતું હતું, જેમાં બેંગકોક, દુબઈ અને શારજાહની ફ્લાઇટ્સનો સમાવેશ થતો હતો.
સુરતથી બેંગકોકની ફ્લાઈટ બંધ હવે 29 માર્ચથી 24 ઓક્ટોબર દરમિયાન લાગુ થયેલા ઉનાળાના સમયપત્રકમાં ફ્લાઇટની સંખ્યા ઘટાડીને ત્રણ કરાઈ હતી, બે દુબઈ અને એક બેંગકોકની ફ્લાઈટ. જોકે, બેંગકોકની ફ્લાઈટ બંધ કરવાના નિર્ણયને પગલે હવે જુલાઈથી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી માત્ર બે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ઓપરેટ થશે.

