Gujarat

સુરત પોલીસે પશ્ચિમ બંગાળથી ઝડપી પાડ્યો, 2012માં કતારગામમાં હત્યા કરી હતી

કતારગામ પોલીસ સ્ટેશનમાં 14 વર્ષ પહેલાં નોંધાયેલા હત્યાના ગુનામાં નાસતા-ફરતા રીઢા આરોપીને ઝડપી પાડવામાં સુરત પોલીસની એલ.સી.બી. ઝોન-3ની ટીમને મોટી સફળતા મળી છે. પશ્ચિમ બંગાળના પશ્ચિમ મેદિનીપુર ખાતેથી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

શું હતી સમગ્ર ઘટના? મળતી માહિતી પ્રમાણે, વર્ષ 2012માં કતારગામ નવી જી.આઈ.ડી.સી. ખાતે આવેલ એમ્બ્રોડરીના ખાતા નંબર 532-533માં કામ કરતા મુસ્તફા મસરૂદ્દીન શેખની કરપીણ હત્યા કરવામાં આવી હતી. મૃતક અને આરોપી એક જ વિસ્તારના વતની હતા અને તેમની વચ્ચે લાંબા સમયથી ચાલી આવતી જૂની અદાવતના કારણે ઝઘડો થયો હતો. આ દરમિયાન આરોપીએ મુસ્તફા શેખને ઢીંકા-મુક્કીનો માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ આરોપી નાસી છૂટ્યો હતો.

બાતમીના આધારે પશ્ચિમ બંગાલથી દબોચ્યો આરોપી શેખ બાબરઅલી ઉર્ફે એસ.કે. બાબર (રહે. છોટા સિગ્નુઆ, પશ્ચિમ બંગાળ) છેલ્લા 14 વર્ષથી પોલીસને ગુમરાહ કરી અલગ-અલગ રાજ્યોમાં છુપાઈને રહેતો હતો આ પછી નાયબ પોલીસ કમિશનર રાઘવ જૈન ઝોન-3ના માર્ગદર્શન હેઠળ તપાસ તેજ કરવામાં આવી હતી.

પી.એસ.આઈ. એમ.જી. ભાદરકા અને તેમની ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું. પોલીસની ટીમે પશ્ચિમ બંગાળના પશ્ચિમ મેદિનીપુર જિલ્લાના રાવતોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડી આરોપીને દબોચી લીધો હતો.