સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી વધી રહેલી વાહનચોરીની ઘટનાઓને ડામવા માટે સુરત પોલીસ એક્શન મોડમાં છે. આ દરમિયાન પુણા પોલીસ સ્ટેશનની ટીમને એક મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને વાહનચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે અને કુલ 9 મોટરસાયકલ રિકવર કરી છે.
પુણા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે શંકાસ્પદ હલચલના આધારે તપાસ કરતા ચોરીના વાહનો સાથે તસ્કરો પોલીસના હાથે ચડી ગયા હતા. આ ઓપરેશનમાં પોલીસે બે રીઢા આરોપીઓ સહિત એક કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરની અટકાયત કરી છે. અલગ-અલગ કંપનીની કુલ 9 બાઈક કબ્જે કરવામાં આવી છે. પુણા પોલીસે 2.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. આ ધરપકડથી વાહનચોરીના અન્ય વણઉકેલાયા ગુનાઓ ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.

ડીસીપી આલોક કુમારે જણાવ્યું કે, પુણા પી.આઈ. વી.એમ. દેસાઈના નેતૃત્વમાં પુણા ડી-સ્ટાફ દ્વારા એક સંયુક્ત બાતમીના આધારે બાઈક ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આમાં કુલ બે વ્યક્તિઓ છે અને એક સગીર છે, આમાં અમે કુલ 9 બાઈક્સ રિકવર કરી છે. જેમાંથી 3 બાઈક પુણા પોલીસ સ્ટેશનની ચોરીની છે. 3 બાઈક કડોદરા પોલીસ સ્ટેશનની ચોરીની છે. 1 બાઈક સલાબતપુરા, 1 કામરેજ અને 1 પલસાણા પોલીસ સ્ટેશનની છે.
તેમની પદ્ધતિ એવી હતી કે જે બાઈક્સ જાહેર જગ્યાઓ પર હેન્ડલ લોક કર્યા વગરની પડી હોય તેને તેઓ ચોરી કરતા હતા, અને કેટલીક બાઈક્સના લોક તોડીને પણ ચોરી કરતા હતા. કુલ ત્રણ આરોપીઓમાંથી એક સગીર છે. બાકીના બેમાં ચિરાગ જેની ઉંમર 21 વર્ષ છે અને તે કડોદરાનો રહેવાસી છે. જયદીપ જેની ઉંમર 24 વર્ષ છે અને તે પણ કડોદરાનો રહેવાસી છે.

