વલસાડ સિટી પોલીસે વિદેશમાં નોકરી માટે વર્ક વિઝા કઢાવી આપવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર એક આરોપીને મુંબઈ એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા (IPS) અને નાયબ પોલીસ અધિક્ષક એ.કે. વર્માની સૂચના હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ગત 25 ઓક્ટોબર, 2025ના રોજ ફરિયાદી સોનલબેન મનુભાઈએ વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે યુકેમાં નોકરી મેળવવા માટે મહમદગવાસ ઉર્ફે ગુલામ અબ્દુલ મજીદ શેખનો સંપર્ક કર્યો હતો. આરોપીએ યુકેના વિઝિટર અને વર્ક વિઝા માટે રૂ. 20 લાખનો ખર્ચ થશે તેમ જણાવી, અલોરા ઇમિગ્રેશન અને એ-ફિટનેસના એકાઉન્ટમાં રૂ. 10 લાખ જમા કરાવ્યા હતા.
આરોપીએ વિઝા ન કઢાવી આપતા અને રૂપિયા પણ પરત ન કરતા સોનલબેન સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગે તાત્કાલિક વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીએ ફરિયાદી ઉપરાંત અન્ય ચાર વ્યક્તિઓ પાસેથી પણ વિઝાના બહાને કુલ રૂ. 76,39,000 ઉઘરાવી લીધા હતા.
પોલીસે બેંક એકાઉન્ટ, CDR (કોલ ડિટેઈલ રેકોર્ડ) અને પાસપોર્ટની વિગતો તપાસતા આરોપી દુબઈ ફરાર હોવાનું બહાર આવ્યું હતું. આથી, તેના વિરુદ્ધ લુકઆઉટ નોટિસ બહાર પાડવામાં આવી હતી. ત્યારબાદ, 13 જાન્યુઆરી, 2025ના રોજ આરોપી દુબઈથી મુંબઈ એરપોર્ટ પર પરત ફરતી વખતે લુકઆઉટ નોટિસના આધારે તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.

