Gujarat

વેપારીની પત્નીને DRIની બીક બતાવી પૂર્વ કર્મચારીએ લૂંટ ચલાવી

સુરતના અલથાણ વિસ્તારમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં રહેતા વેપારી સંજય મહેશ્વરીના ત્યાં આશરે 9 વર્ષ સુધી કામ કરનાર પૂર્વ કર્મચારી લવકુશ ઉર્ફે ચંદન શુક્લાએ જ આખા પરિવારને લાખો રૂપિયાનો ચૂનો ચોપડ્યો છે.

આરોપીએ વેપારીની ગેરહાજરીમાં તેની પત્ની દીપ્તિબેનનો વિશ્વાસ જીતી લીધો હતો. વર્ષો સુધી સાથે કામ કર્યું હોવાથી પરિવાર તેના પર આંધળો વિશ્વાસ કરતો હતો, જેનો લવકુશે પૂર્વ આયોજિત કાવતરું ઘડીને ગેરલાભ ઉઠાવ્યો અને સમગ્ર પરિવારને આર્થિક તેમજ માનસિક મુશ્કેલીમાં મૂકી દીધો છે.

જો દાગીના ઘરમાં રહેશે તો અધિકારીઓ તેને જપ્ત કરી લેશે અલથાણ પોલીસ સ્ટેશન પાસેથી મળતી માહિતી મુજબ જ્યારે વેપારી સંજયભાઈ પર DRI વિભાગની તપાસ આવી ત્યારે લવકુશે દીપ્તિબેનને ડરાવવાનું શરૂ કર્યું હતું. તેણે ખોટી વાતો કરી કે, જો દાગીના ઘરમાં રહેશે તો અધિકારીઓ તેને જપ્ત કરી લેશે અને સંજયભાઈ વધુ મોટી મુસીબતમાં ફસાશે.

તપાસના ડરથી ફફડી ગયેલા દીપ્તિબેનને તેણે સલાહ આપી કે દાગીના કોઈ સુરક્ષિત લોકરમાં મૂકી દેવા જોઈએ. એટલું જ નહીં, તેણે એવું પણ સમજાવ્યું કે જો દીપ્તિબેન પોતાના નામે લોકર ખોલાવશે તો તે પણ તપાસના દાયરામાં આવી જશે, તેથી તેણે દાગીના પોતાના નામે લોકરમાં રાખવા મનાવી લીધા હતા.

આરોપીએ માસ્ટર માઈન્ડની જેમ ખેલ પાડ્યો હતો આરોપી લવકુશે વેસુ વિસ્તારના એક સેફ ડિપોઝિટ વોલ્ટમાં પોતાના નામે લોકર ખોલાવ્યું અને દીપ્તિબેન તથા તેમની સાસુના લાખોની કિંમતના સોનાના દાગીના તેમાં મુકાવી દીધા.

દાગીના મુકાયા બાદ આરોપીએ માસ્ટર માઈન્ડની જેમ ખેલ પાડ્યો હતો. તેણે લોકરની ચાવી ખોવાઈ ગઈ હોવાનું નાટક કરી મેનેજમેન્ટ પાસે બીજું લોક નંખાવ્યું અને તેની ચાવી પોતાની પાસે રાખી લીધી હતી. આમ, દાગીના લોકરમાં હોવા છતાં તેની સત્તાવાર ચાવી અને એક્સેસ માત્ર લવકુશ પાસે જ રહી ગયું હતું, જેની જાણ પરિવારને ઘણી મોડી થઈ હતી.