Gujarat

આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું

જામનગર શહેરના ધરારનગર-1 વિસ્તારમાં પીણાના પાણીમાં ગટર મિશ્રિત પાણી પીવાના 26 વ્યક્તિઓને ઝાડા-ઉલ્ટીઓ (કોલેરા સસ્પેક્ટેડ) કેસ એકી સાથે નોંધાતા અને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં પહોંચતા ડોકટરોમાં દોડધામ મચી ગઈ હતી. તો મ્યુ.તંત્રની આરોગ્ય ટીમ પણ ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ હતી.

શહેરના અનેક વિસ્તારોમાં અવાર-નવાર પીવાના પાણીમાં ગટર મિશ્રિત પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે રવિવારે સવારમાં શહેરના ધરારનગર-1 વિસ્તારમાં કોર્પોરેટર કાસમભાઈના ઘરની આજુબાજુના વિસ્તારોના લોકોને ઝાડા-ઉલ્ટીઓ થવા લાગતા અને સસ્પેક્ટેડ કોલેરાના કેસ નોંધાતા અફડા-તફડી મચી ગઈ હતી. જેમાં મહિલાઓ, બાળકો, યુવાનો અને વૃધ્ધો સારવાર માટે હોસ્પિટલમાં પહોંચ્યા હતા. એક જ વિસ્તારના 26 જેટલા વ્યક્તિઓ જી.જી.હોસ્પિટલમાં દાખલ થતાં ડોકટરોમાં દોડધામ મચી જવા પામી હતી.

તો મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને પણ જાણ થતાં મ્યુ.તંત્રના એપેડેમિક ઓફીસર ડો.જયવીન ભુવા સહિતની ડોકટરની ટીમ વિસ્તારમાં તેમજ હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ હતી. પાણીના સેમ્પલો પણ લેવામાં આવ્યા છે.