વર્ષ ૨૦૧૩માં બોટાદની સેશન્સ કોર્ટ દ્વારા બે આરોપીઓને હત્યાના ગુનામાં આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી. જેની સામે બંને આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. ગુજરાત હાઇકોર્ટે નોંધ્યું હતું કે, આરોપીઓ સામે ગુનાને સાંકળતી ઘટનાઓની ચેઇન સાબિત કરવામાં અને શંકા રહિત કેસ સાબિત કરવામાં પ્રોસિક્યુશન નિષ્ફળ નીવડ્યું છે, ત્યારે સેશન્સ કોર્ટના હુકમની રદ કરવામાં આવે છે. આ કેસને વિગતે જાેતા બે આરોપીઓ પૈકી એક આરોપીની બહેનના લગ્ન પ્રવીણભાઈ નામના વ્યક્તિ જાેડે નક્કી થયા હતા. આ સગુ કરાવનાર વ્યક્તિ ધીરુભાઈ હતા. ધીરુભાઈએ આરોપીને કહ્યું હતું કે પ્રવીણભાઈના આ બીજા લગ્ન છે. જાે કે આરોપીને માહિતી મળી હતી કે પ્રવીણભાઈના આ બીજા નહીં, પરંતુ ચોથા લગ્ન છે. જેને લઇને આરોપીએ મૃતક પ્રત્યે દ્વેષ રાખ્યો હતો.
આરોપીએ મૃતક ધીરુભાઈને ગઢડા બોલાવ્યા હતા. જ્યાં છરી લઈને મૃતક ઉપર તૂટી પડતા મૃતકને છાતી અને પેટમાં છરી વાગતા ઘટના સ્થળે જ ધીરુભાઈનું મૃત્યુ થયું હતું. જે સંદર્ભે બોટાદ પોલીસ મથકે આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. બોટાદ સેશન્સ કોર્ટે ૨૪ સાહેદ અને ૨૪ જેટલા પુરાવાને આધારે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી.
અરજદાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે, આ કેસમાં સાંયોગિક પુરાવાને આધારે અરજદારને આજીવન કેદની સજા કરવામાં આવી છે. સાહેદોએ છરી મારતા આરોપીઓને જાેયા નથી. મુદ્દા માલની રિકવરી પણ શંકાસ્પદ છે. ગુનાને સાંકળતી ઘટનાઓની ચેઇન અખંડ નથી. સરકારી વકીલે સામે દલીલ કરી હતી કે આરોપીઓએ બનાવ બન્યાનો અને ઘટનાસ્થળ અંગે કોઈ વિવાદ ઉપાડ્યો નથી. ફરી ગયેલા સાહેદો અને આરોપી એક જ ગામના રહેવાસી છે. તે આરોપીને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. હત્યા કર્યા બાદ આરોપીઓ ચોટીલાની ધર્મશાળામાં રોકાયા હતા. છરી પરથી મૃતકનું બ્લડ ગ્રુપ પણ મળી આવ્યું હતું. જાે કે કોર્ટે કહ્યું હતું કે ઘટનાને સાંકળતી ચેઇન પુરવાર કરવામાં પ્રોસિક્યુશન નિષ્ફળ નીવડ્યું છે. તેમજ આરોપ શંકાથી પરે સાબિત થઈ શક્યો નથી. ત્યારે બોટાદ કોર્ટનો ચુકાદો રદ કરવામાં આવે છે.

