કલોલમાં પિતા પુત્રની બોર્ડની પરીક્ષા અપાવવા ગયા ને તસ્કરોએ ઘર સાફ કરી નાખ્યું, ૨.૮૦ લાખના દાગીના ચોરાયા
કલોલ તાલુકાના રાચરડા ગામ પાસે આવેલ ભગવતી ફાર્મમાં તસ્કરોએ ધોળા દિવસે ખાતર પાડી અંદાજે ૨.૮૦ લાખની મત્તાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, ફાર્મ હાઉસની રખવાળી કરતા ચોકીદારના બંધ મકાનમાં જ તસ્કરોએ ઘરફોડ ચોરીને અંજામ આપતા સાંતેજ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં જાેવા મળ્યું હતું
કલોલના રાચરડા ગામ પાસે આવેલ ભગવતી ફાર્મ હાઉસમાં સુરેશકુમાર અંબાલાલ સેનમા વર્ષ ૨૦૧૬ થી પરિવાર સાથે રહી ચોકીદારી કરે છે. ગત ૧૧મી માર્ચે સવારે તેઓ પુત્ર અરૂણને પરીક્ષા અપાવવા કલોલ ગયા હતા અને તેમની પત્ની આંબાવાડી ખાતે મકાનકામ માટે ગયા હતા. બપોરે બે વાગ્યે પરીક્ષા પૂર્ણ કરી જ્યારે પિતા-પુત્ર ઘરે પરત ફર્યા ત્યારે ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં જાેવા મળ્યું હતું. જાેકે પુત્રની કારકિર્દીનો સવાલ હોવાથી અને તેની પરીક્ષાઓ ચાલુ હોવાથી સુરેશભાઈએ તે સમયે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.
દાગીના-રોકડ મળી ૨.૮૦ લાખની મત્તા ચોરી ગયા હતા
પુત્રની પરીક્ષા પૂર્ણ થતા તેમણે ફરિયાદ નોંધાવી છે કે,તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી બેડરૂમમાં રાખેલી તિજાેરીના લોક તોડી નાખ્યા હતા. તિજાેરીમાં રહેલા કપડાં વેરવિખેર કરી અંદર રાખેલા સોનાચાંદીના દાગીનાના બોક્સ નીચે ફેંકી દીધા હતા. તસ્કરો સોનાની બુટ્ટી, સોનાની ચુની, સોનાની ગળાની તકતી તેમજ ચાંદીની સેરો, ચાંદીનો ચોટલો, પગના વેઢ, સિક્કા, જુડો અને મંગળસૂત્ર સહિતના અંદાજે ૨.૭૮ લાખના દાગીના અને ૨ હજાર રોકડા મળી કુલ રૂ.૨.૮૦ લાખની મત્તા ચોરી ગયા હતા.

