વાઘોડિયા તાલુકાના વલવા-ગંભીરપુરા રોડ પર મુખ્ય નર્મદા કેનાલ ગેટ નજીક 7 જાન્યુઆરી, 2026ના રોજ સાંજે એક ઈક્કો કાર કોતરમાં ખાબકી હતી. આ અકસ્માતમાં કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જ્યારે તેનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, કાર ચાલક પૂરપાટ ઝડપે પંચમહાલ તરફ જઈ રહ્યો હતો. વલવા-ગંભીરપુરા રોડ નજીક તેણે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે કાર નર્મદા કેનાલ રોડ પરથી પલટી મારી કેનાલ પાસેના કોતરમાં ખાબકી હતી. ઝાડી-ઝાખરાને કારણે કાર વધુ ઊંડા કોતરમાં જતી અટકી ગઈ હતી, પરંતુ કારને ભારે નુકસાન થયું હતું.
અકસ્માતની જાણ થતાં વાઘોડિયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ઈક્કો કારની તપાસ કરતાં તેમાંથી પ્લાસ્ટિકના ક્વાર્ટરિયા કોથળા અને બીયરના ટીન મળી આવ્યા હતા. ગ્રામજનોની મદદથી પોલીસે કારને કોતર બહાર કાઢી હતી. પોલીસે અજાણ્યા ઈક્કો કાર ચાલક સામે ગુનો નોંધી રૂ. 10,360 /-ની કિંમતનો ભારતીય બનાવટનો દારૂ અને રૂ. 1,00,000 /-ની કિંમતની ઈક્કો કાર સહિત કુલ રૂ. 1,10,360 /-નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઉપરાંત, વાઘોડિયા પોલીસે 7 જાન્યુઆરીના રોજ સાંજે 7.30 વાગ્યે મોટી માણેકપુર ગામની સીમમાં આવેલ અનિલભાઈ પટેલના ફાર્મહાઉસ પાછળના ડુંગરની ઝાડી-ઝાખરામાંથી પણ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

