Gujarat

સગીરનું મોઢું છુંદાઈ ગયું અને લોહીનું ખાબોચિયું ભરાયું

અમદાવાદના સીટીએમ એક્સપ્રેસ હાઈવે નજીક BRTS ટ્રેકમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. BRTS ટ્રેકમાં મોપેડ ચાલકને બીઆરટીએસ બસ ચાલકે અડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ટક્કર વાગતાની સાથે જ મોપેડ ચાલક ૫૦ થી ૬૦ ફૂટ જેટલો ઢસડાયો હતો. તેમજ તેનું મોઢું પણ છુંદાઈ જતાં લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. ઘટનાની જાણ થતા આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ૧૦૮ મારફતે સગીરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

જ્યાં સારવાર દરમિયાન સગીરનું મોત થઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.આઈ. સુમરાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બીઆરટીએસ ટ્રેકમાં અકસ્માતની ઘટનામાં મોપેડ ચલાવનાર ચાલક સગીર વયનો હોવાનું જાણવા મળ્યું છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત સગીરનું મૃત્યુ થયું છે. ટ્રાફિક પોલીસ દ્વારા હાલમાં પોલીસ ફરિયાદ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.