Gujarat

ભાજપ જિલ્લા કાર્યાલય પર આવતીકાલથી બે દિવસ સેન્સ પ્રક્રિયા, દાવેદારોની પેનલ પ્રદેશ કક્ષાએ મોકલાશે

મહેસાણા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપમાં ઉમેદવારી કરવા માટે કાર્યકરો અને દાવેદારોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. આવતીકાલે (૨ એપ્રિલ) ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. એ પહેલા આજે (૧ એપ્રિલ) રાધનપુર રોડ પર સિટી સેન્ટર કોમ્પ્લેક્સ ખાતેની ઓફિસ પરથી દાવેદારી માટેના ફોર્મ વિતરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જ્યાં ફોર્મ મેળવવા માટે લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા હતા.

બે દિવસ સેન્સ પ્રક્રિયા ચાલશે

ફોર્મ વિતરણ બાદ હવે પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની કવાયત તેજ કરવામાં આવી છે. ૨ અને ૩ એપ્રિલના રોજ ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રક્રિયા દરમિયાન નિરીક્ષકો દ્વારા દાવેદારોની રજૂઆતો સાંભળવામાં આવશે.

આવતીકાલે ૬ વોર્ડની સેન્સ પ્રક્રિયા

પક્ષ દ્વારા નક્કી કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ આવતીકાલે એટલે કે ૨ એપ્રિલના રોજ વોર્ડ નંબર ૧ થી ૬ના દાવેદારોની સેન્સ લેવામાં આવશે. જ્યારે બીજા દિવસે, ૩ એપ્રિલના રોજ વોર્ડ નંબર ૭ થી ૧૩ ના દાવેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. આ પ્રક્રિયા બાદ મજબૂત અને જીતી શકે તેવા દાવેદારના નામની પેનલ બનાવી પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે. મનપાની ચૂંટણી પહેલા જ ભાજપમાં જાેવા મળી રહેલી આ ભીડ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે.