ભરૂચ શહેરની વસતીમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખી અમલેશ્વર બ્રાંચ કેનાલથી માતરિયા તળાવ સુધી 1400 એમએમ ડાયામીટરના નવા પાઇપ નાખવામાં આવ્યા છે. આ નવી પાઇપલાઇનના કારણે માતરિયા તળાવથી શ્રવણ ચોકડી સુધીનો રસ્તો ખોદવામાં આવ્યો હતો. આ રસ્તાને પૂર્ણ રીતે રીપેર કરવામાં ન આવતાં ચોમાસાના પ્રારંભે જ લોકોની હાલત દયનીય બની છે. શ્રવણ ચોકડીથી શકિતનાથ તરફ આવતો રોડ પાકા ડામરનો છે. માતરિયાથી શ્રવણ ચોકડી તરફ જતો માર્ગ કીચડવાળો બની ગયો છે. ભરૂચ નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગની ઘોર આળસના કારણે શહેરથી શ્રવણ ચોકડીને જોડતો અંદાજે 1 કિલોમીટર લાંબો મુખ્ય માર્ગ છેલ્લા એક વર્ષથી વધુ સમયથી અત્યંત બિસ્માર હાલતમાં પડ્યો છે.
ગત વર્ષે મસમોટી પાઇપલાઇનો નાખવા માટે આ આખો રસ્તો ખોદી નાખવામાં આવ્યો હતો. વિકાસના નામે પાઇપલાઇનો તો નંખાઈ ગઈ. કામ પૂરું થયા બાદ કોન્ટ્રાક્ટર અને તંત્ર આ રસ્તાને ”જેસે થે” હાલતમાં જ છોડીને છૂ થઈ ગયા છે. જેના કારણે હજારો વાહનચાલકો દરરોજ જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે. ચોમાસું નજીક આવતાં લોકોના આક્રોશને શાંત કરવા માટે તંત્રએ એક મહિના અગાઉ આ રસ્તા પર માત્ર કામચલાઉ ધોરણે મોટી-મોટી કપચીઓ પાથરી દીધી હતી. ડામર રોડ બનાવ્યા વિના જ કામ બંધ કરી દીધું હતું. આજે આ કપચીઓ ઉખડીને રસ્તા પર પથરાઈ ગઈ છે. જેના પરથી વાહનો સ્લિપ થઈ રહ્યા છે.

