Gujarat

દહેગામ પશુપાલકોના આંદોલનનો અંત:માંગણીઓ સ્વીકારાતા સમાધાન, દૂધ પુરવઠો ફરી સામાન્ય

દહેગામ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા પશુપાલકોના આંદોલનનો અંત આવ્યો છે. રાજ્યના સહકાર મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં ઉત્તમ ડેરીના ચેરમેન અને દહેગામના પશુપાલકો વચ્ચે વિસ્તૃત ચર્ચા બાદ સમાધાન થયું હતું.

આંદોલનને કારણે દહેગામ સહિત આસપાસના વિસ્તારોમાં દૂધ પુરવઠા પર અસર પડી હતી

આંદોલન પાછળનું મુખ્ય કારણ દૂધના ખરીદી ભાવને લઈને અસંતોષ હતો. પશુપાલકોનો આક્ષેપ હતો કે ઉત્તમ ડેરી દ્વારા આપવામાં આવતો દૂધનો ભાવ ખર્ચની સરખામણીએ ઓછો છે, જેના કારણે તેમને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું હતું. ઉપરાંત, દૂધના ફેટ મુજબ યોગ્ય દર ન મળતા, ચુકવણીમાં થતો વિલંબ અને ડેરી સંચાલનમાં પારદર્શિતાના અભાવ જેવા મુદ્દાઓ પણ પશુપાલકોમાં અસંતોષનું કારણ બન્યા હતા. આ મુદ્દાઓને લઈ પશુપાલકોએ દૂધ સપ્લાય બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો, જેના પરિણામે દહેગામ સહિત આસપાસના વિસ્તારોમાં દૂધ પુરવઠા પર અસર પડી હતી.

પશુપાલકોને ન્યાય મળે તે દિશામાં પગલાં ભરવાની ખાતરી

બેઠક દરમિયાન પશુપાલકોએ પોતાના પ્રશ્નો વિગતવાર રજૂ કર્યા, જ્યારે ડેરી સંચાલન તરફથી પણ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી. સહકાર મંત્રીએ બંને પક્ષોની વાત સાંભળી મધ્યસ્થતા કરી અને પશુપાલકોને ન્યાય મળે તે દિશામાં પગલાં ભરવાની ખાતરી આપી.

પશુપાલકોએ આંદોલન સમાપ્ત કરવાનો ર્નિણય લીધો

મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પશુપાલકોના હિત માટે પ્રતિબદ્ધ છે અને તેમના પ્રશ્નોનો સ્થાયી ઉકેલ લાવવા પ્રયત્નશીલ રહેશે. બેઠક બાદ બંને પક્ષોમાં સહમતી થતાં પશુપાલકોએ પોતાનું આંદોલન સમાપ્ત કરવાનો ર્નિણય લીધો હતો. આ સાથે જ દહેગામ વિસ્તારમાં દૂધનો પુરવઠો ફરી સામાન્ય બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે સ્થાનિક લોકોમાં રાહતનો માહોલ જાેવા મળી રહ્યો છે.