કુતિયાણા તાલુકાના પસવારી ગામમાં 108 ઇમરજન્સી સેવાના સ્ટાફે સમયસૂચકતા દાખવી એક જોખમી ડિલિવરી સફળતાપૂર્વક કરાવી છે. 108 ટીમે ઘરે જ એક સ્વસ્થ પુત્રનો જન્મ કરાવ્યો, જેનાથી માતા અને બાળક બંને સુરક્ષિત રહ્યા.
પસવારી ગામની એક પ્રસૂતા મહિલાને અચાનક પ્રસુતિની પીડા ઉપડતા પરિવારજનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી. માહિતી મળતા જ કુતિયાણા 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

મહિલા પાંચમી વખત માતા બનવાની હતી અને તેને અસહ્ય પીડા શરૂ થઈ હતી. હોસ્પિટલ લઈ જવાની શક્યતા ન હોવાથી, ઘરે જ ડિલિવરી કરાવવી અનિવાર્ય બની હતી. 108ના EMT રામ લુવા અને પાયલોટ રાજેશ બેસએ પોતાની તાલીમ અને કુશળતાનો ઉપયોગ કર્યો. તેમણે સંપૂર્ણ સાવચેતી સાથે મહિલાની ઘરે જ સુરક્ષિત ડિલિવરી કરાવી, જેના પરિણામે એક સ્વસ્થ પુત્રનો જન્મ થયો.
ERCPC ડોક્ટર રૂચિ મેડમના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક સારવાર અપાઈ હતી. ત્યારબાદ માતા અને બાળકને વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલ કુતિયાણા ખાતે એમ્બ્યુલન્સ દ્વારા સલામત રીતે ખસેડવામાં આવ્યા. 108 સેવાની આ ઝડપી કામગીરી અને સ્ટાફની નિષ્ઠા પ્રસંશનીય સાબિત થઈ છે. આ સફળ કામગીરી બદલ EMT રામ લુવા અને સમગ્ર 108 ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. જિલ્લા પ્રોગ્રામ મેનેજર આકાશ અને જિલ્લા કોઓર્ડિનેટર જયેશ દ્વારા ટીમને શુભેચ્છા અને પ્રશંસા વ્યક્ત કરવામાં આવી હતી.

