શહેરના પંચવટી વિસ્તારમાં પતિથી અલગ થઈને રહેતી પત્નીને પતિ અને પતિની પ્રેમિકાએ ભેગા મળીને માર માર્યો હતો. એટલું જ નહીં બંનેએ પત્નીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે પત્નીએ પતિ અને પ્રેમિકા વિરુદ્ધ ગુજરાતી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પતિને અન્ય સાથે પ્રેમ સંબંધ હોવાથી પત્ની અલગ રહે છે આંબાવાડીમાં પીજીમાં રહેતા પ્રિયંકા પરીખે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પ્રિયંકા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પ્રિયંકાના લગ્ન 2011માં વિશાલ પરીખ સાથે થયા હતા. બંનેને બે બાળક પણ છે જે હાલમાં વિશાલ અને તેના પરિવાર સાથે રહે છે. વિશાલને છેલ્લા 12 વર્ષથી વેજલપુરમાં રહેતી કિંજલ નામની યુવતી સાથે પ્રેમ સંબંધ છે. પ્રિયંકા છેલ્લા ઘણા સમયથી પતિ વિશાલથી અલગ રહે છે અને બંનેનો છૂટાછેડાનો કેસ પણ ચાલુ છે.
પોલીસને ફોન કરતા બન્ને ધમકી આપી ફરાર 28 માર્ચના રોજ પ્રિયંકા તેના મિત્ર સાથે આંબાવાડીના પીજી ખાતે હતી, ત્યારે વિશાલ અને કિંજલ પીજી પર ગયા હતા. વિશાલે પ્રિયંકાને કહ્યું હતું કે, તું કેમ મારા ઘરે આવતી નથી. વિશાલે પ્રિયંકા સાથે ઝઘડો કરીને ઉશ્કેરાઈને ગાળો આપી છૂટા હાથની મારામારી કરી હતી.
પ્રિયંકાએ બુમાબૂમ કરતા તેની મિત્ર આવી ગઈ અને પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા વિશાલ અને કિંજલ ત્યાંથી ભાગી ગયા હતા. જતા-જતા વિશાલે ધમકી આપી હતી કે, અમારા બંને વચ્ચે આવીશ તો તને જાનથી મારી નાખીશું. આ અંગે પ્રિયંકાએ વિશાલ અને કિંજલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

