Gujarat

આ અન્ડરવેર સોનાની છે, નીકળ્યું ૪૫ લાખનું સોનું

દુબઈથી આવેલો શખસ અમદાવાદ એરપોર્ટ પર ૯૬ લાખના ગોલ્ડ સાથે ઝડપાયો

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે દુબઈથી આવેલા એક શખસ પાસેથી કુલ ૯૬ લાખ રૂપિયાનું સોનું ઝડપ્યું છે. આ શખસે દાણચોરી માટે ચાલાકીપૂર્વક તેના અન્ડરવેરમાં ૪૫ લાખની કિંમતનું સોનું પેસ્ટ સ્વરૂપે છુપાવ્યું હતું, જે જાેતા પહેલી નજરે સામાન્ય કાપડ જેવું જ દેખાતું હતું. પરંતુ કસ્ટમ્સ વિભાગને એરપોર્ટ પર શખસની શંકાસ્પદ હિલચાલના આધારે તેની તપાસ કરતા આ અનોખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો હતો અને અધિકારીઓ પણ સોનાને છુપાવવાની આ પદ્ધતિ જાેઈને દંગ રહી ગયા હતા. અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ એ સોનાની દાણચોરીના એક રેકેટનો પર્દાફાશ કર્યો છે. કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ દુબઈથી સ્પાઇસજેટની ફ્લાઇટ નંબર જીય્-૦૧૬થી અમદાવાદ પહોંચેલા એક શખસને અટકાવીને તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન શખસ પાસેથી ૨૪ કેરેટ શુદ્ધતાની બે આખી સોનાની લગડીઓ અને એક કાપેલી લગડી મળી આવી હતી. આ સોનાનો જથ્થો મુસાફરે ચાલાકીપૂર્વક પોતાના ખિસ્સામાં રાખેલા પર્સમાં છુપાવ્યો હતો. આ જપ્ત કરાયેલા ૩૨૪.૧૪૦ ગ્રામ સોનાની અંદાજિત બજાર કિંમત ૫૧,૭૩,૨૭૪ જેટલી થાય છે. કસ્ટમ્સના અધિકારીઓને શખસની હિલચાલ પર શંકા જતાં તેની ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, શખસે સોનાને પેસ્ટના સ્વરૂપમાં ફેરવીને તેણે પહેરેલા અન્ડરવેરમાં છુપાવ્યું હતું.

આ પેસ્ટ પર રાસાયણિક પ્રક્રિયા કર્યા બાદ ૨૭૭.૮૦૦ ગ્રામ શુદ્ધ સોનું (૨૪ કેરેટ) પ્રાપ્ત થયું હતું, જેની કિંમત અંદાજે ૪૪,૩૩,૬૮૮ આંકવામાં આવી છે. આમ, અમદાવાદ કસ્ટમ્સ દ્વારા કુલ ૬૦૧.૯૪૦ ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે, જેની કુલ બજાર કિંમત ૯૬,૦૬,૯૬૨ થાય છે. અધિકારીઓએ કસ્ટમ્સ એક્ટ, ૧૯૬૨ની વિવિધ જાેગવાઈઓ હેઠળ આ મુદ્દામાલ જપ્ત કરી શખ્સની અટકાયત કરી છે. આ સોનું કોને પહોંચાડવાનું હતું અને આમાં અન્ય કોઈ શખ્સો સામેલ છે કે કેમ તે અંગે હાલ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.