Gujarat

RTO કર્મી પર હુમલો કરી ઘડિયાળની લૂંટ કરનારા ઝડપાયા

ભાવનગરના સરદારનગર વિસ્તારમાં બે દિવસ પૂર્વે કાર વાળવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ યુવક પર હુમલો કરી કિંમતી ઘડિયાળ લૂંટી લેવાની ઘટના બની હતી. આ મામલે ઘોઘારોડ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બંને લૂંટારુઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની વિગત કાળીયાબીડ વિસ્તારમાં રહેતા અને RTO કચેરીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા ભગીરથસિંહ ગોહિલ (ઉં.વ. 29) બે દિવસ પહેલાં રાતે પોતાના ભાઈ અને મિત્ર સાથે કારમાં પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પત્નીની તબિયત ખરાબ હોવાનો ફોન આવતા તેમણે મેઘાણી ઓડિટોરિયમ પાસેના વળાંકથી ઉતાવળમાં કાર પરત વાળી હતી. કાર વાળતી વખતે સામેથી આવતા બે શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને હિન્દીમાં અપશબ્દો બોલી ઝઘડો શરૂ કર્યો હતો.

જ્યારે ભગીરથસિંહ અને તેમના ભાઈએ અપશબ્દો બોલવાની ના પાડી, ત્યારે બંને શખ્સોએ તેમની સાથે ઝપાઝપી શરૂ કરી હતી. આ દરમિયાન એક શખ્સે ભગીરથસિંહના હાથમાંથી ₹12,800ની કિંમતની ટાઈટન કંપનીની ઘડિયાળ ઝૂંટવી લીધી હતી. લૂંટ ચલાવ્યા બાદ બંને શખ્સો અલગ-અલગ દિશામાં ફરાર થઈ ગયા હતા. ભગીરથસિંહે આ મામલે ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.