રાજકોટની કોર્ટ બિલ્ડિંગને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની નનામી ધમકી મળતા પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. હાલમાં બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા કોર્ટ પરિચરમાં તપાસ શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, રાજકોટ કોર્ટ સંકુલમાં બોમ્બ હોવા અંગેનો એક ધમકીભર્યો મેઇલ મળ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કોર્ટ પરિસરમાં વિસ્ફોટક પ્લાન્ટ કરવામાં આવ્યા છે અને તેને ગમે ત્યારે ઉડાવી દેવામાં આવશે. આ સમાચાર વાયુવેગે ફેલાતા વકીલો, અસીલો અને કોર્ટ સ્ટાફમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

ડોગ સ્ક્વોડ દ્વારા ખૂણેખૂણાની તપાસ ધમકી મળતાની સાથે જ રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સુરક્ષાના ભાગરૂપે સમગ્ર કોર્ટ બિલ્ડિંગને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી છે.

બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડ દ્વારા ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી રહી છે. કોર્ટના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ સીલ કરી દેવામાં આવ્યા છે અને આવતા-જતા લોકોનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે.

