ડ્રગ્સ વિરોધી અભિયાન હેઠળ સુરત રેલવે પોલીસને મોટી સફળતા મળી
સુરત રેલવે સ્ટેશન પર ઉભેલી અર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનના કોચમાંથી ચરસના જથ્થા સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની આ ત્વરિત કાર્યવાહીથી ડ્રગ પેડલરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ઉલ્લેખનીય છે કે, સુરત રેલવે પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, અર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં કેટલાક શખ્સો નશીલા પદાર્થની હેરાફેરી કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે ટ્રેન પ્લેટફોર્મ પર આવતા જ તપાસ હાથ ધરી હતી. ટ્રેનના કોચ નંબર જી/૪ માં શંકાસ્પદ જણાતા ત્રણ મુસાફરોની ઝડતી લેતા તેમની પાસેથી ચરસનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે આરોપીઓ પાસેથી ૯૨૩ ગ્રામ ચરસ જપ્ત કર્યું છે. આ સાથે જ ૪ નંગ મોબાઈલ ફોન સહિત કુલ ૨,૫૦,૭૫૦ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓમાં પંકજસિંગ ધરમરાજસિંગ, ગીતેશ સુરેશ મોટકટે અને સાહિલ દિલીપભાઇ સાઠલીયાનો સમાવેશ થાય છે.
રેલવે પોલીસે ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ NDPS એક્ટ (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ) મુજબ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. આ ચરસનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સુરતમાં કોને પહોંચાડવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

