Gujarat

મહિલા સામાજિક કાર્યકર બ્રહ્મસમાજ અગ્રણી નિશાબેન અસ્વારનો આજે જન્મદિવસ

જામનગર શહેરના જાણીતા સામાજિક કાર્યકર તથા ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર નિશાબેન શૈલેન્દ્ર અસ્વારનો જન્મદિવસ આજે તા. ૧૦ માર્ચે ઉજવાઈ રહ્યો છે. આ અવસરે શહેરના રાજકીય, સામાજિક અને શૈક્ષણિક વર્તુળોમાંથી તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

નિશાબેન અસ્વાર છેલ્લા લગભગ બે દાયકાથી ભારતીય જનતા પાર્ટી સાથે સક્રિય રીતે જોડાયેલા રહી સંગઠનાત્મક કામગીરીમાં યોગદાન આપી રહ્યા છે. તાજેતરમાં તેઓ જામનગર શહેર ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યાં છે. અગાઉ તેઓ મહિલા મોરચાના વિવિધ હોદ્દાઓ પર રહી સંગઠન મજબૂત બનાવવા સક્રિય રહ્યા છે તેમજ ચૂંટણી દરમિયાન બુથ સંચાલન અને મતદાર જાગૃતિ જેવી કામગીરી સફળતાપૂર્વક નિભાવી છે.

રાજકીય ક્ષેત્ર ઉપરાંત નિશાબેન અસ્વાર શહેરના વિવિધ સામાજિક અને સેવાકીય સંગઠનો સાથે પણ સંકળાયેલા છે. તેઓ બ્રહ્મશક્તિ સેવા ટ્રસ્ટ – જામનગરના સ્થાપક પ્રમુખ તરીકે કાર્યરત છે. ઉપરાંત તેઓ ભુતકાળમાં રાજગોર બ્રાહ્મણ મહિલા સંગઠન સમિતિના ઉપપ્રમુખ, બ્રહ્મસમાજ સૌરાષ્ટ્ર કચ્છ મહિલા પાંખના મહામંત્રી, તેમજ બ્રહ્મશક્તિ ક્રિએટિવ ગ્રુપના મહામંત્રી તરીકે પણ સેવાઓ આપી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છેકે, શહેરની સૌથી મોટી અને સૌથી સક્રિય સખી ક્લબ -૨ સાથે ૨૦ વર્ષોથી જોડાયેલા છે જેમાં પ્રેસીડેન્ટ , સેક્રેટરી, ટ્રેઝરર, જોઈન્ટ ટ્રેઝરર તરીકે છેલ્લાં પાંચ વર્ષ સતત હોદ્દા પર રહી હાલમાં મુખ્ય બોર્ડ મેમ્બર તરીકે સેવા આપી રહ્યાં છે.

તે ઉપરાંત તેઓ સંસ્કારદિપ અંગ્રેજી અને ગુજરાતી મીડિયમ સ્કૂલના ટ્રસ્ટી રહી ચૂક્યા છે અને રોટરી ક્લબ, લાયન્સ ક્લબ, રેડ ક્રોસ સોસાયટી, કેન્સર સોસાયટી સહિત અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈ સમાજસેવામાં સક્રિય યોગદાન આપી રહ્યા છે.

તેમના જન્મદિવસ નિમિત્તે વિવિધ આગેવાનો, કાર્યકરો અને શુભેચ્છકોએ નિશાબેનને તેમના સુખાકારી અને દીર્ઘાયુષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે.