પોરબંદરના ભદ્રકાલી રોડ પર નગરપાલિકા દ્વારા આયોજિત નવા ઓવરબ્રિજ પ્રોજેક્ટ સામે સ્થાનિક વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે. આજે મોટી સંખ્યામાં વેપારીઓએ એકઠા થઈ મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરને આ પ્રોજેક્ટ અટકાવવા અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું.

વેપારી મંડળના પ્રતિનિધિ સુરેશભાઈ સોનીએ જણાવ્યું હતું કે, ભદ્રકાલી રોડ ગ્રામ્ય વિસ્તારનો મુખ્ય પ્રવેશદ્વાર છે. અહીં અંદાજે 400થી વધુ વેપારીઓ વર્ષોથી પોતાનો વ્યવસાય કરી રહ્યા છે. જો ઓવરબ્રિજ બનશે તો રસ્તો બ્લોક થઈ જશે, જેના કારણે સેંકડો વેપારીઓની રોજીરોટી છીનવાઈ જવાનો ભય છે.
વેપારીઓના મતે, અહીં રેલવે ફાટક માત્ર 5 થી 7 મિનિટ માટે જ બંધ રહે છે, જે કોઈ મોટી ટ્રાફિક સમસ્યા નથી. તેથી ઓવરબ્રિજની જરૂરિયાત નથી.

આ ઉપરાંત, ઓવરબ્રિજને કારણે લિમડા ચોક શાક માર્કેટ, એસ.ટી. પિકઅપ બસ સ્ટેન્ડ અને ગલીઓમાં લારી-ગલ્લા ચલાવતા નાના વેપારીઓને પણ આર્થિક નુકસાન થશે.

