જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે રાત્રે પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન કુલ 743 વાહનોની તપાસ કરવામાં આવી હતી. ટ્રાફિક નિયમોના ભંગ બદલ 144 વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી, જેમાં 75 વાહનચાલકો પાસેથી ₹34,200નો દંડ વસૂલવામાં આવ્યો. ઉપરાંત, 9 વાહનોને ડિટેઈન કરવામાં આવ્યા હતા.
જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ આ “ટ્રાફિક ડ્રાઇવ” યોજાઈ હતી. આ ડ્રાઇવમાં મોટર વાહન અધિનિયમ (MV Act), કારમાં બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગરના વાહનો, ફેન્સી નંબર પ્લેટવાળા વાહનો અને ગુજરાત પોલીસ અધિનિયમ (GP Act) હેઠળના નિયમ ભંગ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

કાર્યવાહી દરમિયાન, MV Act કલમ-207 હેઠળ 9 વાહનો ડિટેઈન કરાયા હતા. MV Act કલમ-285 હેઠળ 5 કેસ નોંધાયા હતા. હથિયારબંધી જાહેરનામા ભંગના 9 કેસ અને કેફી પીણું પીધેલા 5 કેસ કરવામાં આવ્યા હતા. ફોરવ્હીલ કારમાં બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગરના વાહનો અને ફેન્સી નંબર પ્લેટવાળા વાહનો સહિત કુલ 144 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત, MV Act હેઠળ હાજર દંડના 75 કેસ કરીને ₹34,200નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

