Gujarat

મોડિફાઇડ સાઈલેન્સરવાળા બુલેટ સામે ટ્રાફિક પોલીસની લાલઆંખ

પોરબંદર શહેરમાં કર્કશ અવાજ કરતા મોડીફાઇડ સાઈલેન્સરવાળા બુલેટ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે અઢી કલાકમાં જ 37 જેટલા બુલેટ બાઈક ડિટેઈન કર્યા હતા. પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાની સૂચના મુજબ ટ્રાફિક શાખાના પીઆઈ એમ. એલ. આહિરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.બી. ચૌહાણ, કે.એન. અઘેરા તેમજ ટ્રાફિક ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું હતું.

આ કાર્યવાહી દરમિયાન અઢી કલાકમાં કુલ 37 જેટલા બુલેટ બાઈક મોડીફાઇડ સાઈલેન્સર સાથે મળી આવ્યા હતા. કર્કશ અવાજ કરતા મોડીફાઇડ સાઈલેન્સરવાળા બુલેટ બાઇક ચાલકો સામે મોટર વ્હીકલ એક્ટ કલમ 207 મુજબ ડીટેઈન કરવામાં આવ્યા હતા.

મોડીફાઇડ સાઈલેન્સરવાળા બુલેટના કર્કશ અવાજથી જાહેર જનતાને અસુવિધા થતી હોવા સાથે ટ્રાફિક સલામતી માટે જોખમ ઊભું થતું હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું હતું. ટ્રાફિક પોલીસ દ્વારા આવી કાર્યવાહી આગામી એક સપ્તાહ સુધી સતત ચાલુ રાખવામાં આવનાર હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.