જામનગરના રણજીતનગર સ્થિત પટેલ સમાજ ખાતે સમસ્ત લેઉવા પટેલ સમાજ દ્વારા એક ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્ઞાતિની એકતા, સંસ્કૃતિ અને ગૌરવના પ્રતીક સમા આ ‘ત્રિવેણી સંગમ’ કાર્યક્રમમાં અંદાજે 52,000થી વધુ જ્ઞાતિજનો ઉમટી પડ્યા હતા, જેણે લેઉવા પટેલ સમાજની અતૂટ સંગઠન શક્તિનો પરિચય કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં મહારાસ, સામાજિક સન્માન અને સમૂહ ભોજનનો સમાવેશ થતો હતો.

સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડિયાએ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે, ગત તારીખ 03-01-2026ના રોજ ભવ્ય મહારાસનું આયોજન કરાયું હતું. જેમાં સમગ્ર જિલ્લામાંથી હજારોની સંખ્યામાં ભાઈઓ-બહેનોએ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રાત્રિનું મુખ્ય આકર્ષણ જામનગરની વિશ્વ વિખ્યાત ‘પટેલ યુવક ગરબી મંડળ’ દ્વારા રજૂ કરવામાં આવેલો અદભૂત મસાલ રાસ રહ્યો હતો.

તારીખ 04-01-2026ના રોજ યોજાયેલા મુખ્ય સમારોહમાં રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા, પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ધારાસભ્ય રમેશભાઈ ટીલારા, દિવ્યેશભાઈ અકબરી સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. લેઉવા પટેલ સમાજ દ્વારા આ નવનિયુક્ત મંત્રીઓનું જામનગરની ધરતી પર ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ અને રમેશભાઈ મુંગરા સહિતના સમાજના અને રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, “અન્ન ભેગા એના મન ભેગા”ના ભાવ સાથે પાટીદાર સમાજ આજે અન્ય સમાજોને પણ સાથે રાખીને દેશને વિકાસની નવી રાહ ચીંધી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, આ સંગઠિત શક્તિ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે નવા આયામો સર કરશે.

સમાજની ઉન્નતિ માટે ઉદાર હાથે ફાળો આપનાર દાતાઓનું પણ આ તકે મહાનુભવોના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું. આ માતબર ફાળો આગામી સમયમાં સમાજ ભવનો અને અન્ય સામાજિક સુવિધાઓના નિર્માણ માટે ઉપયોગમાં લેવામાં આવશે.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત 52,000 જેટલા જ્ઞાતિજનો માટે સમૂહ ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે લેઉવા પટેલ સમાજ જામનગરના પ્રમુખ મનસુખભાઈ રાબડિયા, હોદ્દેદારો અને સેંકડો સ્વયંસેવકોએ રાત-દિવસ જહેમત ઉઠાવી હતી.

આ કાર્યક્રમમાં લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા, ચેમ્બર્સ ઓફ કોમર્સના રમણીકભાઈ અકબરી જીઆઇડીસી ફ્રેસ-2 ના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ, ફેક્ટરી ઓનર્સ પ્રમુખ રામજીભાઈ ગઢીયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો.વિનુભાઈ ભંડેરી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથીરિયા, મંત્રી અશોકભાઈ ચોવટીયા ઉપપ્રમુખ કૈલાશભાઈ રામોલિયા, મનસુખભાઈ ભંડેરી, સહમંત્રી રમેશભાઈ વેકરીયા અને ખજાનચી કિશોરભાઈ સંઘાણી, સહિત સમાજની કારોબારી સભ્યો તેમ જ સામાજિક રાજકીય સહિતના હજારોની સંખ્યામાં લેઉવા પટેલ સમાજના જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા

