ગાંધીનગરના નભોઈ કેનાલ પર ગત રાત્રિએ એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના બની છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતી બે યુવતીઓએ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવીને સામુહિક આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ફાયર બ્રિગેડની ટીમે કલાકોના સર્ચ ઓપરેશન બાદ ઝુંડાલ કેનાલમાંથી બંને યુવતીઓના મૃતદેહ બહાર કાઢ્યા છે.
મૃતક યુવતીઓની ઓળખ સેજલ જશવંતભાઈ પટેલ (ઉં. વ. 26, રહે. નરોડા, અમદાવાદ) અને રિપલ રાકેશભાઈ રાવત (ઉં. વ. 24, રહે. થલતેજ, અમદાવાદ) તરીકે થઈ છે. આ બંને યુવતીઓ ગઈકાલે રાત્રે નભોઈ કેનાલ પર પહોંચી હતી. કેનાલમાં પડતા પહેલા બંનેએ પોતપોતાના પરિજનોને ફોન કરીને પોતે આપઘાત કરવા જઈ રહી હોવાનું જણાવ્યું હતું. અચાનક આવેલા આ ફોનથી ગભરાયેલા પરિવારો તાત્કાલિક કેનાલ પર પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.

બનાવની જાણ થતા જ અડાલજ અને ગાંધીનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. રાત્રિના અંધકારમાં જ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે કેનાલમાં શોધખોળ શરૂ કરી હતી. પાણીનો પ્રવાહ વધુ હોવાથી બંને યુવતીઓ તણાઈ ગઈ હતી, જેમના મૃતદેહ છેક ઝુંડાલ કેનાલ પાસેથી મળી આવ્યા હતા. પોલીસે બંને લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે.
આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બંને યુવતીઓ આશરે ચાર પાંચ મહિના અગાઉ ગાંધીનગર મહાનગર પાલિકામાં કાયમી કારકુન તરીકે નોકરીએ લાગી હતી. ગઈકાલે બંને નોકરીએ ગયા હતા. સામાન્ય રીતે બંને સાડા સાત સુધી ઘરે પરત પહોંચી જતી હતી. તે દરમ્યાન સેજલને તેની માતા સાથે વાત થઈ હતી. જે પછી તેનો મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયો હતો. એટલે રિપલ સાથે હોવાનું માનીને તેને પણ કોલ કર્યો હતો. બાદમાં બંને પરિવાર યુવતીઓને શોધવા સીધા કેનાલ તરફ આવી ગયો હતાં.

