નવસારી જિલ્લામાં આત્મહત્યાના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. કબીલપોર વિસ્તારમાં પત્ની સાથેના ઝઘડાથી કંટાળી એક 39 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જ્યારે વિજલપોરમાં લાંબી બીમારી અને એકલવાયા જીવનથી ત્રસ્ત 51 વર્ષીય આધેડે પણ આપઘાત કર્યો હતો.
કબીલપોર વિસ્તારમાં વંદના સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા પંકજ વિરેન્દ્ર ઓઝા નામના યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તેઓ મૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયરના વતની હતા અને છેલ્લા પાંચ મહિનાથી બેરોજગાર હતા.
પત્ની સાથે થતા વારંવારના ઝઘડાથી કંટાળી આપઘાત પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પંકજભાઈ કામ-ધંધો કરતા ન હોવાથી તેમની અને પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ગત 8 એપ્રિલના રોજ બપોરના 2થી 2:30 વાગ્યાના સુમારે માનસિક તણાવમાં આવી તેમણે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. આ બનાવ અંગે તેમના ભાઈ સૌરભ ઓઝાએ નવસારી રૂરલ પોલીસને જાણ કરી હતી. રૂરલ પોલીસ સ્ટેશનના PSI એમ.એલ. સૈયદે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાથરૂમમાં પાઇપ સાથે નાયલોનની દોરી બાંધી આત્મહત્યા બીજી ઘટના વિજલપોરના આદર્શનગર, શિવાજી ચોક વિસ્તારમાં બની હતી. અહીં જીતેન્દ્રભાઈ કાશીનાથ ચૌધરીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તેઓ મૂળ સુરતના પાંડેસરા વિસ્તારના વતની હતા.
જીતેન્દ્રભાઈ લાંબા સમયથી સોરાયસીસની ગંભીર બીમારીથી પીડાતા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, લાંબી બીમારી અને એકલવાયા જીવનને કારણે તેઓ માનસિક રીતે હતાશ હતા. ગત 8 એપ્રિલના રોજ સવારના સમયે તેમણે ઘરના ઉપરના માળે દાદર પાસે આવેલા બાથરૂમમાં પાઇપ સાથે નાયલોનની દોરી બાંધી આત્મહત્યા કરી લીધી હતી.

