એકતરફ જિલ્લા પુરવઠા તંત્ર ગેસ સિલિન્ડરનો પુરતો સ્ટોક હોવાનો અને સ્થિતિ સામાન્ય હોવાના દાવા કરી રહ્યું છે બીજીતરફ ગેસ એજન્સી તરફથી ગ્રાહકોને સમય પર ગેસ સિલિન્ડર પુરા પાડવામાં નહીં આવતા હોવા મામલે સેક્ટર-૩૦માં આવેલા ગેસ એજન્સીના ગોડાઉન પર ભારે હોબાળો મચી ગયો હતો. તંત્રના અધિકારીઓ સબ સલામતનો પોકાર ચેમ્બરોમાં બેસીને કરી રહ્યા છે જ્યારે સ્થળ પર સ્થિતિ અલગ છે. ગ્રાહકોના જણાવ્યા પ્રમાણે અગાઉથી બૂકીંગ કરાવીને મોબાઇલ પર તે માટેનો ઓથેન્ટિકેશન કોડ મળ્યો હોય તેવા ગ્રાહકો સિલિન્ડર લેવા માટે પહોંચ્યા હતા પરંતુ કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા છતાં સિલિન્ડર મળ્યો ન હતો. એજન્સીના માણસો દ્વારા સર્વર ડાઉન છે અને કેવાયસી થયું નથી તેવા કારણો દર્શાવીને ગ્રાહકોને રીતસરના પરેશાન કરી પરત મોકલવામાં આવ્યા હતા. કલાકો સુધી લાઇનમાં ઉભા રહીને કંટાળેલા ગ્રાહકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જાેકે, તાત્કાલિક પોલીસ પહોંચી જતા સ્થિતિ થાળે પડી હતી.યુદ્ધની સ્થિતિમાં ગેસ સિલિન્ડરોની અછત વચ્ચે ગાંધીનગરનું વહીવટી તંત્ર માત્ર વાતો કરી રહ્યું છે પરંતુ વાસ્તવિકતા જુદી જાેવા મળે છે. સમગ્ર તંત્ર હાલ ચાર્જમાં ચાલી રહ્યું છે. કલેક્ટર ચાર્જમાં છે અને પુરવઠા અધિકારી પણ ચાર્જમાં છે. જેના કારણે એજન્સીઓમાં તપાસની પણ કાર્યવાહી થતી નથી. યોગ્ય તપાસ કર્યા વિના કે પરિસ્થિતિ જાણ્યા વિના જ અધિકારીઓ દ્વારા સબ સલામતનો રીપોર્ટ સરકારમાં કરી દેવામાં આવે છે. જેથી ધીમે ધીમે શહેરમાં સ્થિતિ વણસી રહી છે.

