Gujarat

સોમનાથમાં ‘ઉત્સવ દિવસ’ અને ‘મિલેટ મહોત્સવ’ની ઉજવણી કરાઈ

સોમનાથ ખાતે ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ’ અંતર્ગત જિલ્લાકક્ષાના ‘પી.એમ.કિસાન ઉત્સવ દિવસ’ અને ‘મિલેટ મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પીએમ-કિસાન યોજનાનો ૨૨મો હપ્તો રિલીઝ કરાયો હતો, જેનાથી દેશના 9.32 કરોડ ખેડૂતોના ખાતામાં સીધા રૂ. 18650 કરોડ જમા થયા હતા.

પ્રભાસપાટણના રામમંદિર ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક મહાનુભાવો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આસામના ગુવાહાટી ખાતેથી વડાપ્રધાનના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ ખેડૂતોએ નિહાળ્યું હતું.

પ્રદેશ બક્ષીપંચના અધ્યક્ષ માનસિંહભાઈ પરમારે અધ્યક્ષીય સંબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં પીએમ-કિસાન યોજના ખેડૂતો પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ૨૨મા હપ્તા દ્વારા કરોડો ખેડૂતોને સીધો આર્થિક લાભ મળ્યો છે.

નાયબ ખેતી નિયામક પુષ્પકાંત સ્વર્ણકારે ‘શ્રી અન્ન’ (મિલેટ્સ)નું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું કે બાજરો, જુવાર, મકાઈ, રાગી અને સામો જેવા પાક શરીરને પોષણ પૂરું પાડે છે. તેમણે પ્રાકૃતિક રીતે શ્રી અન્નની ખેતી અને તેના ફાયદા પર ભાર મૂક્યો હતો.

કૃષિ વૈજ્ઞાનિક હડિયલે પ્રાકૃતિક ખેતીની મહત્તા, આચ્છાદન, સેન્દ્રીય કાર્બનનું મહત્વ અને ખેતી પર અનિયમિત વરસાદ તથા એગ્રો કેમિકલ્સની અસરો વિશે માહિતી આપી હતી. તેમણે ખેડૂતોને પ્રાકૃતિક પાકોના ઉત્પાદન અને ઉપયોગ માટે પ્રોત્સાહન આપ્યું હતું.ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં 6992 ખેડૂતોને રૂ. 25.34 કરોડની ખેતીલક્ષી સહાય ચૂકવવામાં આવી છે.