ઉતરાયણ પર્વે દારૂની રેલમછેલ થતી રોકવા માટે વડોદરા પોલીસ થઈ ગઈ છે અને વિવિધ સ્થળોએ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વડોદરા શહેરની કપુરાઈ પોલીસે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ મોટી કાર્યવાહી કરીને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરી છે. બીજી તરફ ગોરવા પોલીસે 1.59 લાખના દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરી છે.
કપુરાઇ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે નેશનલ હાઈવે નંબર 48 પર કચરાના ઢગલા અને મુસ્લીમ સમાજના કબ્રસ્તાન પાસેના ગંદા નાળા વિસ્તારમાં વોચ બેસાડી હતી. આ દરમિયાન મહિન્દ્રા બોલેરો કાર (GJ-34-N-1041) આવતાં તેને રોકીને તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી ખાખી રંગના બોક્સમાંથી 5.44 લાખ રૂપિયાની કિંમતની 840 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.
પોલીસે કારના ડ્રાઈવર ભુપેન્દ્ર ભારતસિંહ તોમર (ઉંમર ૩૦ વર્ષ, રહે. બડી સરદી, પટેલ ફળીયું, તા. કઠીવાડા, જિ. અલીરાજપુર, મધ્યપ્રદેશ) ની ધરપકડ કરી છે. આ ઉપરાંત દારૂ ભરી આપનાર બાપુસિંગ તોમર (રહે. બડી સરદી, અલીરાજપુર, મધ્ય પ્રદેશ) અને દારૂ મંગાવનાર સોનું (રહે. વોરા ગામડી, વડોદરા)ની પણ શોધખોળ ચાલુ છે.

