વલસાડ રૂરલ પોલીસે ગુંદલાવ હાઇવે પરથી દમણથી વડોદરા તરફ લઈ જવાઈ રહેલા વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક કન્ટેનરમાંથી 4,668 બોટલ વિદેશી દારૂ સાથે કન્ટેનર ચાલકની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત આશરે રૂ. 32.99 લાખ આંકવામાં આવી છે.
વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાની સૂચના હેઠળ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહિબિશન ગુનાઓ સામે હાથ ધરાયેલી સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. પીએસઆઈ આર.પી. ડોડીયા અને તેમની ટીમને ખાનગી બાતમી મળી હતી કે દમણથી સુરત માર્ગે વિદેશી દારૂની હેરાફેરી થવાની છે આ બાતમીના આધારે ગત રાત્રીએ ગુંદલાવ ઓવરબ્રિજ નજીક નેશનલ હાઇવે 48 પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ કન્ટેનર નંબર HR-46-G-1641ને અટકાવી તેની તલાશી લેવામાં આવી હતી.

કન્ટેનરની ડ્રાયવર કેબિનમાં બનાવેલા ચોરખાનામાંથી વિવિધ બ્રાન્ડના વિદેશી દારૂ અને ટીન બીયરની કુલ 4,668 બોટલ મળી આવી હતી. આ દારૂ કંપનીના શીલબંધ સીલ અને લેબલ સાથે પેક થયેલો હતો.
પોલીસે રૂ. 16.90 લાખનો વિદેશી દારૂ, રૂ. 16 લાખ કિંમતનું કન્ટેનર, એક મોબાઈલ ફોન અને રોકડા મળી કુલ રૂ. 32.99 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા કન્ટેનર ચાલકે પોતાનું નામ વિષ્ણુકુમાર પુરનસિંહ ચૌહાણ (ઉંમર 30, રહે. ઉત્તર પ્રદેશ) જણાવ્યું છે.
આ મામલે વલસાડ રૂરલ પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ), 82, 98(2) અને 116(ખ) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દારૂ મોકલનાર અને આપનાર ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ વધુ તીવ્ર બનાવી છે.

