Gujarat

વટવાની પરિણીતાને રિક્ષામાં પ્રેમી સાથે વાત કરવાના બહાને લઈ ગઈ, ગડદાપાટુનો માર મારી કાતરથી વાળ કાપ્યા

મૂળ બગોદરાની રહેવાસી અને હાલમાં વટવા વિસ્તારમાં રહેતી 30 વર્ષીય પરિણીતા વટવા GIDCમાં નોકરી કરતી હતી, ત્યારે રિક્ષાચાલક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. પરિણીતાના પ્રેમીને અન્ય મહિલા સાથે પણ પ્રેમ સંબંધ થયો હતો. જે બાબતે મહિલાએ પરિણીતાને તેના ઘર પાસે બોલાવી અને રિક્ષામાં બેસાડી તેના પ્રેમીને મળવાના બહાને લઇ ગઈ હતી. ચાલુ રિક્ષામાં મહિલાને માર માર્યો હતો. જાતિ વિષયક શબ્દો બોલીને કાતરથી વાળ કાપ્યા હતા.

ગભરાયેલી પરિણીતાએ હવે હું વાતચીત નહીં કરું એમ કહેતા તેને પરત તેના ભાઈના ઘરે ઉતારી દીધી હતી. બાદમાં મહિલા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ થઈ હતી. આ સમગ્ર મામલે વટવા પોલીસે ત્રણ લોકો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પરિણીતાના લગ્ન વર્ષ 2025માં થયા હતા શહેરના વટવા વિસ્તારમાં 30 વર્ષીય પરિણીતા તેના ભાઈ સાથે રહે છે. વર્ષ 2025માં મહિલાના લગ્ન થયા હતા. જોકે, બે મહિના પહેલાં જ સાસરીવાળા તેને તેના મૂળ ગામે પીયરમાં મૂકી ગયા હતા. બાદમાં તેના ભાઈના ઘરે વટવા ખાતે રહેવા આવી ગઈ હતી. અઢી વર્ષ પહેલા વટવા GIDC ખાતે આવેલી જિંદાલ કંપનીમાં નોકરી કરવા જતી હતી. આ દરમિયાન પરિણીતાને એક રિક્ષાચાલક સાથે ઓળખાણ થઈ હતી, ત્યારબાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી.

રિક્ષાચાલકને ફોન કરતા અન્ય મહિલાએ ફોન ઉપાડ્યો દોઢ મહિના પહેલા ભારતી પટણી નામની મહિલા સાથે રિક્ષાચાલકની ઓળખાણ થઈ હતી. જેથી રિક્ષાચાલકે પરિણીતા સાથે વાતચીત કરવાનું ઓછું કરી નાખ્યું હતું. 14 માર્ચના રોજ પરિણીતાએ રિક્ષાચાલકને ફોન કરતા ભારતીએ ફોન ઉપાડીને કહ્યું કે, તમે કોણ બોલો… જેના જવાબમાં પરિણીતાએ પોતાની ઓળખ આપી હતી. જેથી ભારતીએ કહ્યું હતું કે, તું ક્યાં રહે છે. હું ત્યાં આવું છું એમ કહી એક મહિલા સાથે રિક્ષા લઈને ત્યાં આવી હતી.