ચાલુ વર્ષે મહેસાણા જિલ્લામાં શિયાળુ રવિ પાકોના વાવેતરમાં નોંધપાત્ર વધારો જાેવા મળ્યો છે. ગત ચોમાસાની અંતિમ વિદાય વેળાએ થયેલા વિપુલ વરસાદને કારણે જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહેતા ખેડૂતોએ ઉત્સાહભેર વાવેતર કર્યું છે.જિલ્લા ખેતીવાડી વિભાગના જણાવ્યા અનુસાર દર વર્ષની સરેરાશની સરખામણીએ આ વર્ષે વાવેતરના આંકડામાં મોટો વધારો નોંધાયો છે. સામાન્ય રીતે મહેસાણા જિલ્લામાં શિયાળુ પાકોનું સરેરાશ વાવેતર ૧,૮૦,૪૭૬ હેક્ટર જેટલું થતું હોય છે પરંતુ, આ વર્ષે કુદરતી કૃપા અને અનુકૂળ વાતાવરણને લીધે કુલ ૧,૮૮,૯૦૬ હેક્ટર જમીનમાં વાવેતર સંપન્ન થયું છે. આ આંકડા દર્શાવે છે કે, જિલ્લામાં ખેતી હેઠળનો વિસ્તાર વધતા આગામી સમયમાં શિયાળુ પાકનું બમ્પર ઉત્પાદન થવાની પૂરેપૂરી સંભાવના છે.
પાકવાર વિગતો પર નજર કરીએ તો મહેસાણા જિલ્લામાં સૌથી વધુ વાવેતર ઘઉંનું થયું છે.કુલ ૬૮,૧૭૮ હેક્ટરમાં ઘઉંનું વાવેતર કરીને ખેડૂતોએ આ પાક પર સૌથી વધુ પસંદગી ઉતારી છે. આ ઉપરાંત અન્ય મુખ્ય પાકોમાં રાઈનું ૨૩,૭૬૫ હેક્ટર,તમાકુનું ૨૩,૮૮૫ હેક્ટર અને પશુઓના ઘાસચારા માટે ૪૧,૯૩૧ હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે. આ સિવાય જીરું, વરિયાળી અને શાકભાજી જેવા રોકડિયા પાકોનું પણ મોટા પાયે વાવેતર થયું છે. મહેસાણા જિલ્લાના ઇન્ચાર્જ ખેતીવાડી અધિકારી અનિષ ભટ્ટે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ચોમાસાના અંતમાં મોડે મોડે પડેલા સારા વરસાદને કારણે શિયાળુ ખેતી માટે પૂરતું પાણી અને અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ હતી. જેના પરિણામે જિલ્લામાં વાવેતરનો વ્યાપ વધ્યો છે. હાલના તબક્કે પાકની સ્થિતિ જાેતા આ વર્ષે ખેડૂતોને આર્થિક રીતે મોટો ફાયદો થવાની આશા સેવાઈ રહી છે.

