Gujarat

લગ્નના 6 મહિનામાં જ પરિણીતા વૃદ્ધાશ્રમ પહોંચી

કલોલ તાલુકામાં આવેલા માનવ ઉત્કર્ષ વૃદ્ધાશ્રમમાં સામાન્ય રીતે 60 વર્ષથી વધુ ઉંમરના વડીલોને આશ્રય આપવામાં આવે છે. પરંતુ તાજેતરમાં એક 27 વર્ષીય મહિલા પોતાની આખી જિંદગી વિતાવવા માટે આશ્રય માંગવા પહોંચી જતાં વૃદ્ધાશ્રમના સંચાલકો પણ મુઝવણમાં મુકાઈ ગયા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

યુવાન મહિલા આશ્રય માટે આવતા સંચાલકો મુઝવણમાં મુકાયા આજના આધુનિક યુગમાં પારિવારિક સંબંધોમાં આવતી કડવાશ અને યુવા પેઢીમાં ઘટતી જતી સહનશક્તિના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. આવો જ એક કિસ્સો ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં બન્યો હતો. તાજેતરમાં કલોલ તાલુકામાં આવેલ માનવ ઉત્કર્ષ વૃદ્ધાશ્રમમાં એકાએક એક યુવાન મહિલા આશ્રય માટે પહોંચતા સંચાલકો મુઝવણમાં મુકાઈ ગયા હતા.

છેલ્લા બે મહિનાથી પિયરમાં રહેતી હતી સામાન્ય રીતે ઘરડા ઘરમાં 60 કે તેથી વધુ વયના વડીલોને આશ્રય આપવામાં આવતો હોય છે, એવામાં જુવાનજોધ પરણિતા આસું સારતી આંખે વૃદ્ધાશ્રમના દ્વારે આવીને આખી જિંદગી વિતાવવાની તૈયારી દર્શાવી રહી હતી. એટલે સંચાલકોએ તેની આપવીતી સાંભળી તો જાણવા મળ્યું કે, પીડિતાના લગ્ન માત્ર છ મહિના પહેલા જ થયા હતા. લગ્નના થોડા જ સમયમાં સાસુ સાથે અણબનાવ અને સતત થતા ઝઘડાઓથી કંટાળીને તે છેલ્લા બે મહિનાથી પોતાના પિયરમાં રહેવા ગઈ હતી.

પિતાએ પણ ઘરથી જાકારો આપ્યો જોકે, પિયરમાં પણ પીડિતાને તેના પિતા સાથે ઘરકામ બાબતે ઝઘડો થતાં તેના પિતાએ તારે જ્યાં જવું હોય ત્યાં જતી રહે તેવું કહી દીધું હતું. આમ સાસરી અને પિયરમાંથી પણ જાકારો મળતા તેણે કંટાળીને ઘર છોડી દીધું હતું. આખરે મુઝવણમાં મુકાયેલા સંચાલકોએ 181 અભયમ મહિલા હેલ્પ લાઈનની મદદ માંગી હતી, જેના પગલે 181ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

મહિલા કાઉન્સેલર દ્વારા પીડિતાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું . બાદમાં તેના પિતા સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી હતી. પિતાએ સ્વીકાર્યું હતું કે, ઘરકામ બાબતે બોલાચાલીમાં આવેશમાં આવીને તેઓ આવું બોલી ગયા હતા અને તેઓ પોતાની પુત્રીને ઘરે લઈ જવા તૈયાર હતા.