સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારની દયનીય સ્થિતિ અને પૂરના પ્રશ્ને આજે આમ આદમી પાર્ટીએ સરકાર સામે મોરચો માંડ્યો છે. જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે આજે ‘આપ’ના કાર્યકરો અને નેતાઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર જેલમાં બંધ ‘આપ’ નેતા પ્રવીણ રામના પોસ્ટરો રહ્યા હતા. કાર્યકરોએ પ્રવીણ રામના પોસ્ટરો હાથમાં રાખી સરકારની દમનકારી નીતિનો વિરોધ કર્યો અને ઘેડના પ્રશ્ને સરકારને આડે હાથ લીધી હતી.
ઘેડના પડતર પ્રશ્નોને લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ રાજુ બોરખતરીયાએ જણાવ્યું હતું કે, ઘેડ વિસ્તારમાં પૂરના પાણીના કાયમી નિકાલ માટે સરકારે ત્રણ તબક્કાનો માસ્ટર પ્લાન રજૂ કર્યો હતો. જેમાં નદી-નાળા ઊંડા કરવા, સ્ટ્રક્ચર નિર્માણ અને જળ સંરક્ષણની વાતો કરવામાં આવી હતી. પરંતુ વાસ્તવિકતા એ છે કે પ્રથમ તબક્કાની કામગીરી પણ હજુ ‘પાપા પગલી’ ભરી રહી છે. બીજા અને ત્રીજા તબક્કાનું કામ તો હજુ જોજનો દૂર જણાય છે.

વિરોધ પ્રદર્શન દરમિયાન ‘આપ’ નેતાઓએ આક્ષેપ કર્યો કે જાહેર સભાઓમાં મોટા નેતાઓ આવીને ‘મોદીની ગેરંટી’ની વાતો કરે છે, પરંતુ ઘેડના ખેડૂતો માટે આ ગેરંટી ક્યાંય દેખાતી નથી. ડિસેમ્બર 2024 થી માર્ચ 2025 સુધીમાં કામગીરી પૂર્ણ કરવાના વાયદા કરવામાં આવ્યા હતા, પરંતુ જૂન 2026 નજીક હોવા છતાં ગ્રાઉન્ડ લેવલ પર કોઈ નક્કર પરિણામ દેખાતું નથી.
શ્વેતપત્ર જાહેર કરવાની માગ આ આવેદનપત્ર દ્વારા આમ આદમી પાર્ટી મુખ્યત્વે માંગ કરે છે કે સરકાર દ્વારા ઘેડ વિસ્તારના વિકાસ અને પૂર નિયંત્રણ માટે અત્યાર સુધી જેટલું પણ બજેટ ફાળવવામાં આવ્યું છે અને જેટલી કામગીરી પૂર્ણ થઈ છે, તેની વિગતો દર્શાવતું ‘શ્વેતપત્ર’ સાર્વજનિક કરવામાં આવે. વહીવટી તંત્ર દ્વારા એસ્ટિમેટ, ટેન્ડર અને વર્ક ઓર્ડરની પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા જાળવી તેની જાણકારી જાહેર જનતાને આપવામાં આવે તે અત્યંત અનિવાર્ય છે. વધુમાં, જૂન 2026 પહેલા નદી-નાળા ઊંડા કરવાની તમામ કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવે, જેથી ચોમાસામાં ફરી જાન-માલનું નુકસાન ન થાય.

