Gujarat

ટ્રાન્સફોર્મરમાં આગ લાગતાં દોડધામ, કચરાના ઢગલા સામે વેપારીઓમાં રોષ

વેરાવળ શહેરના ગાંધી ચોક વઘારીયા બજારના કોર્નર પાસે આવેલા PGVCLના સબ સ્ટેશનમાં અચાનક આગ લાગતાં ભારે દોડધામ મચી હતી. આગની જાણ સ્થાનિક વેપારીઓ દ્વારા PGVCL તેમજ ફાયર વિભાગને કરવામાં આવતાં વેરાવળ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

સબ સ્ટેશનની આસપાસ અત્યંત ગીચ રહેણાંક વિસ્તાર તેમજ વઘારીયા બજાર આવેલી છે. જેના કારણે દિવસ દરમિયાન અહીં મોટી સંખ્યામાં લોકો અને વેપારીઓની અવરજવર રહે છે. આવી સ્થિતિમાં સબ સ્ટેશનમાં આગ લાગવાની ઘટના ગંભીર ચિંતાનો વિષય બની છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ સ્થળે અગાઉ પણ અનેક વખત આગ લાગવાની ઘટનાઓ બની ચૂકી છે. પ્રાથમિક અનુમાન મુજબ સબ સ્ટેશનની આસપાસ એકઠો થતો કચરો આગનું કારણ બની શકે છે. કચરો એકઠો થતો હોવાના કારણે નાની આગની ઘટનાઓ વારંવાર બનતી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.