વલસાડ જિલ્લાના હલધરુ નજીકથી પોલીસે બિલ વગરના ગુટકાનો મોટો જથ્થો ભરેલી એક ફોર વ્હીલ ઝડપી પાડી છે. મહારાષ્ટ્ર લઈ જવાઈ રહેલા આ જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. LCB સ્ટાફને બાતમી મળી હતી કે, એક સેવરેલોટ ફોર વ્હીલનો ચાલક ગુટકાનો માતબર જથ્થો ભરી મહારાષ્ટ્ર જવાનો છે. આ બાતમીના આધારે પોલીસે હલધરુ સર્વોત્તમ હોટલવાળા રોડ પર વોચ ગોઠવી હતી.
વોચ દરમિયાન બાતમીવાળી MH05CV–3579 નંબરની ફોર વ્હીલને રોકવામાં આવી હતી. વાહનની તલાશી લેતા તેમાંથી મોટી માત્રામાં પાન મસાલાનો જથ્થો મળી આવ્યો હતો, જેના કોઈ બિલ રજૂ કરવામાં આવ્યા ન હતા.
પોલીસે ફોર વ્હીલના ચાલક વિનોદ લાલબહાદુર સિંગ (રહે. ટુંગા ઇસ્ટ, મુંબઈ) અને સૂરજ મદનલાલ અરોરા (રહે. રૂમ નંબર 10, સુંદર નગર, ગાવદેવી મંદિર, મુંબઈ) સહિત બે વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે ₹2.13 લાખનો અલગ અલગ બ્રાન્ડના પાન મસાલાનો જથ્થો, ₹2 લાખની ફોર વ્હીલ અને મોબાઈલ સહિત કુલ ₹4.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

