Gujarat

RTO ઇ-ચલણની APK ફાઈલ મોકલી ₹9.60 લાખની છેતરપિંડી

સુરત સાયબર ક્રાઈમ પોલીસે મુંબઈના ઘાટકોપર ખાતે દરોડા પાડીને ડિજિટલ ઈ-ચલણના નામે છેતરપિંડી આચરતા બે શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓએ સુરતના એક નાગરિકને વોટ્સએપ પર ફ્રોડ APK ફાઈલ મોકલી તેના બેંક ખાતામાંથી ₹9.60 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓમાં બીએસસીનો વિદ્યાર્થી વૈષ્ણવ સંજય દાંગડ અને રિક્ષાચાલક નિલેશ રત્નાકર કલમ્બેનો સમાવેશ થાય છે.

APK ફાઈલ મોકલી 9.60 લાખ પડાવ્યા આ ગુનાની પદ્ધતિ મુજબ, ગત 16થી 30 ડિસેમ્બર 2025 દરમિયાન ફરિયાદીના મોબાઈલ પર ‘RTO CHALLAN-1.apk’ નામની એક શંકાસ્પદ ફાઈલ મોકલવામાં આવી હતી. ફરિયાદીએ આ ફાઈલ ઓપન કરતા જ આરોપીઓએ તેમના ફોનનો રિમોટ એક્સેસ મેળવી લીધો હતો. ત્યારબાદ ફરિયાદીની જાણ બહાર તેમના HDFC બેંક ખાતામાંથી ટુકડે-ટુકડે કુલ ₹9,60,000 આરોપીઓના યસ બેંકના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા.

મુંબઈમાં ઓપરેશન પાર પાડી બંનેની ધરપકડ સુરત સાયબર ક્રાઈમ સેલે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા આ કૌભાંડના છેડા મુંબઈના ઘાટકોપર સુધી લંબાયા હતા. તપાસમાં ખૂલ્યું હતું કે મુખ્ય સૂત્રધારના કહેવા પર 18 વર્ષીય વિદ્યાર્થી વૈષ્ણવે રિક્ષાચાલક નિલેશના નામે યસ બેંકમાં ‘મ્યુલ એકાઉન્ટ’ ખોલાવ્યું હતું. આ ખાતાનો ઉપયોગ માત્ર છેતરપિંડીના નાણાં મેળવવા માટે જ થતો હતો. પોલીસે મુંબઈમાં ઓપરેશન પાર પાડી બંનેની ધરપકડ કરી સુરત લાવ્યા છે.