International

આતંકીઓને સાથ સહકાર આપનાર પાકિસ્તાનને વધુ એક મોટો ઝટકો

પહેલગામ આતંકી હુમલા પછી ભારતના સિંધુ જળ સંધિ સ્થગિત કરવાના ર્નિણયથી પશ્ચિમી નદીઓ સિંધુ, ઝેલમ અને ચીનાબ પર બાંધકામ કરવાના અગાઉના પ્રતિબંધો હટી ગયા છે. ૧૯૬૦માં વિશ્વ બેન્કની મધ્યસ્થતાથી કરાયેલી સંધિએ પાકિસ્તાનની સહમતિ સિવાય બેરેજ અને બંધ બાંધવાની ભારતની ક્ષમતા સીમિત કરી હતી. જાેકે, હવે જમ્મુ અને કશ્મીર સરકાર લાંબો સમયથી બંધ પડેલા વુલર બેરેજ પ્રોજેક્ટ પર ફરી કામ શરૂ કરવાની તૈયારી કરી રહી છે.

તુલબુલ નેવિગેશન પ્રોજેક્ટ તરીકે પણ ઓળખાતા આ પ્રોજેક્ટનો હેતુ ઝેલમ નદીમાંથી આવતા પાણીનું નિયમન કરવાનો તેમજ સમગ્ર વર્ષ દરમ્યાન નેવિગેશન બહેતર બનાવવાનો છે. અધિકારીઓએ કહ્યું કે કેન્દ્રના સહયોગ સાથે ટૂંક સમયમાં બાંધકામ ફરી શરૂ થશે.

વુલર તળાવની આપસાસ રહેતા સ્થાનિક સમુદાય માટે પ્રોજેક્ટ ફરી શરૂ થવાથી આશા જાગી છે. મોસમી ફેરફાર અને કાંપને કારણે તળાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જેના કારણે માછીમારી તેમજ સિંઘાડા અને કમળદાંડીની ખેતી પર વિપરીત અસર પડી છે. સ્થાનિક માછીમારોના જણાવ્યા મુજબ શિયાળામાં ઝેલમમાંથી પાણી ઓછું આવવાથી વિશાળ હિસ્સા સુકાઈ ગયા છે, જેના કારણે અનેક લોકો બેરોજગાર થઈ ગયા છે અને તેમની આજીવિકા જાેખમમાં મુકાઈ છે. ૧૯૮૪માં પ્રથમ વાર વુલર પ્રોજેક્ટ પર કામ શરૂ થયું ત્યારથી વારંવાર અવરોધો ઊભા થતા રહ્યા છે.

આતંકવાદને કારણે પહેલા તેને ૧૯૮૯માં અટકાવી દેવામાં આવ્યો અને પછી ૨૦૧૦માં ટૂંક સમય માટે શરૂ થયું જે સોપોરેમાં નિંગલી ખાતે આતંકી હુમલા પછી ફરી ૨૦૧૨માં અટકાવી દેવામાં આવ્યું. પાકિસ્તાને સતત બેરેજનો વિરોધ કર્યો છે અને દલીલ કરી છે કે ઝેલમ પર ભારતના નિયંત્રણથી નીચાણવાળા વિસ્તારોમાં દુષ્કાળ અથવા પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.