International

ચીન-રશિયાએ હોર્મુઝ ખોલવાની માગ પર વીટો વાપર્યો

ઈરાન સંકટ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રમાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાને લઈને લાવવામાં આવેલો પ્રસ્તાવ પસાર થઈ શક્યો નથી. રશિયા અને ચીને આ પ્રસ્તાવ પર વીટો કર્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ પ્રસ્તાવમાં કોઈ પણ પ્રકારની સૈન્ય કાર્યવાહીની વાત કરવામાં આવી નહોતી.આ પ્રસ્તાવ બહેરીન તરફથી લાવવામાં આવ્યો હતો. અલ જઝીરાના અહેવાલ મુજબ, છેલ્લા બે અઠવાડિયામાં આ પ્રસ્તાવને અંદાજે ૬ વખત બદલવામાં આવ્યો હતો, કારણ કે ઘણા દેશો તેના કેટલાક ભાગો સાથે સહમત નહોતા.બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે આજે રાત્રે ઈરાની સભ્યતા ખતમ થઈ શકે છે. ટ્રમ્પે દાવો કર્યો કે આજે રાત્રે વિશ્વના લાંબા અને જટિલ ઇતિહાસની સૌથી મહત્વપૂર્ણ ક્ષણના સાક્ષી બનીશું.

ટ્રમ્પની ધમકી પર સાઉથ આફ્રિકા સ્થિત ઈરાની દૂતાવાસે વળતો જવાબ આપ્યો છે. ઈરાને કહ્યું કે અમેરિકા અને તેના સાથી દેશોને ઈરાનની પ્રાચીન સભ્યતા તરફથી એવો જવાબ મળશે, જેને તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં.અમેરિકા અને ઈઝરાયલે મંગળવારે ઈરાનના વિવિધ સ્થળો પર હુમલા કર્યા છે. સૌથી મોટો હુમલો ખાર્ગ આઈલેન્ડ પર થયો હતો, જ્યાં ઓઈલ ટર્મિનલને નિશાન બનાવવામાં આવ્યું છે. ઈરાનનું અંદાજે ૮૦ થી ૯૦% ક્રૂડ ઓઈલ અહીંથી જ નિકાસ થાય છે.આ દરમિયાન કોમ અને કાશાનમાં પણ પુલોને નિશાન બનાવવામાં આવ્યા હતા. કાશાન પાસે આવેલા યહ્યાબાદ રેલવે બ્રિજ પરના હુમલામાં ૨ લોકોના મોત થયા છે અને ૩ લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત, ઉત્તર-પશ્ચિમ ઈરાનમાં તબરીઝ-ઝંઝાન હાઈવેના પુલ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.