પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સોમવારે વધતી ઓઈલ કિંમતોને ધ્યાનમાં રાખીને ખર્ચમાં કાપ મૂકવાની યોજનાની જાહેરાત કરી છે. આ અંતર્ગત સરકારી કચેરીઓ અઠવાડિયામાં માત્ર ચાર દિવસ ખુલશે અને અડધા કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરશે. આ અઠવાડિયાના અંતથી શાળાઓ બે અઠવાડિયા માટે બંધ રહેશે. પાકિસ્તાની ન્યૂઝ ચેનલ જિયો ન્યૂઝ અનુસાર, મંત્રીઓ અને સલાહકારોના વિદેશ પ્રવાસો રોકી દેવામાં આવ્યા છે. મંત્રીઓ બે મહિના સુધી પગાર નહીં લે અને સાંસદોના પગારમાં ૨૫%નો ઘટાડો થશે. તેમજ, પાકિસ્તાનમાં હવે બે મહિના સુધી સરકારી વાહનોને ૫૦% ઓછું ઇંધણ મળશે. ૬૦% સરકારી વાહનો ચાલશે નહીં. તમામ સરકારી વિભાગો પોતાના ખર્ચમાં ૨૦%નો ઘટાડો કરશે.
શરીફે કહ્યું કે અમેરિકા-ઇઝરાયલ-ઈરાન સંઘર્ષને કારણે ક્રૂડ ઓઇલની કિંમત ૬૦ ડોલરથી વધીને ૧૦૦ ડોલર પ્રતિ બેરલથી વધુ થઈ ગઈ છે. આ કારણોસર આ ર્નિણયો લેવામાં આવ્યા છે.
પાકિસ્તાને પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં લગભગ ૨૦%નો વધારો કર્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ૫૫ રૂપિયા (પાકિસ્તાની રૂપિયો) પ્રતિ લિટર સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા પછી પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત હવે ૩૩૫.૮૬ રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. જ્યારે ડીઝલ ૩૨૧.૧૭ રૂપિયા પ્રતિ લિટરના સ્તરે પહોંચી ગયું છે. કિંમતોમાં વધારાના સમાચાર આવ્યા પછી તરત જ પાકિસ્તાનના મોટા શહેરો જેવા કે લાહોર અને કરાચીમાં પેટ્રોલ પંપો પર ભારે ભીડ જામી ગઈ. લોકો કલાકો સુધી પોતાની વારીની રાહ જાેતા જાેવા મળ્યા. લોકોને ડર છે કે આવનારા દિવસોમાં ક્યાંક ઓઈલની અછત ન સર્જાય.
બાંગ્લાદેશ સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર મર્યાદા લાગુ કરવી પડી છે. ઢાકા સહિતના ઘણા શહેરોમાં પેટ્રોલ પંપોની બહાર લાંબી કતારો લાગી છે અને લોકો ડરના કારણે વધુ ઓઈલ ખરીદીને જમા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
જમાખોરી અને અફવાઓને રોકવા માટે બાંગ્લાદેશ પેટ્રોલિયમ કોર્પોરેશન (બીપીસી) એ કડક નિયમો લાગુ કર્યા છે. હવે બાઇક માટે દિવસમાં માત્ર ૨ લિટર પેટ્રોલ જ મળશે. ખાનગી કાર માટે મહત્તમ ૧૦ લિટરની મર્યાદા નક્કી કરવામાં આવી છે, જ્યારે બસો અને ટ્રકો માટે ૭૦ થી ૨૨૦ લિટર સુધીની મર્યાદા રાખવામાં આવી છે. દરેક પેટ્રોલ પંપ પર રસીદ આપવી ફરજિયાત કરવામાં આવી છે અને અગાઉની ખરીદીની રસીદ બતાવ્યા વિના નવું ઇંધણ મળશે નહીં. સરકારે લોકોને ગભરાઈને ઓઈલનો સંગ્રહ ન કરવા અપીલ કરી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હાલ વધારાની કોઈ શક્યતા નથી. અધિકારીઓનું કહેવું છે કે જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત ૧૩૦ ડોલર પ્રતિ બેરલને પાર નહીં કરે ત્યાં સુધી સ્થાનિક બજારમાં ભાવ સ્થિર રહેશે. વર્તમાન અનુમાનો અનુસાર, ક્રૂડ ઓઈલ ૧૦૦ ડોલર પ્રતિ બેરલની આસપાસ રહેવાની અપેક્ષા છે.

