International

ઈરાનની શાળા પર અમેરિકાએ બે વખત હુમલા કર્યા

યુદ્ધનાં શરૂઆતના દિવસોમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇરાનની સ્કૂલમાં થયેલ વિસ્ફોટની પાછળ સ્વયં ઇરાનનો હાથ છે. તેમણે દાવો કર્યો હતો કે આ હુમલો ઇરાનના જ દારૂ ગોળાને કારણે થયો હતો.

જાે કે હવે સામે આવેલા નવા વીડિયો અને અન્ય કેટલાક પુરાવા ટ્રમ્પનાં આ દાવા સામે પ્રશ્રો ઉભા કરી રહ્યાં છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર ૨૮ ફેબુ્રઆરીએ થયેલા આ હુમલામાં ઇરાનનાં દક્ષિણ પ્રાંત હોર્મોઝ્ગાનના મીનાબ વિસ્તારમાં આવેલી એક શાળાને નિશાન બનાવવામાં આવી હતી. આ શાળા એક રિવોલ્યુશનરી ગાર્ડ બેઝની પાસે આવેલી હતી.

ઇન્વેસ્ટિગેટિવ ગુ્રપ બેલિંગકેટે ત્રણ સેકન્ડનો વીડિયો જારી કર્યો છે. આ વીડિયોને એ જ દિવસનો બતાવવામાં આવી રહ્યો છે જ્યારે આ હુમલો થયો હતો. આ વીડિયોને ઇરાનની અર્ધ સરકારી સમાચાર એજન્સી મેહરે પણ પ્રસારિત કર્યો હતો.

વીડિયોમાં સ્પષ્ટપણે જાેઇ શકાય છે કે એક ઇમારત પર બોંબ પડે છે અને ત્યારબાદ આકાશમાં કાળો ધુમાડો જાેવા મળે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સેટેલાઇટ ફોટા પરથી અંદાજ મૂકવામાં આવ્યો છે કે સ્કૂલ પરિસરની આસપાસ એક પછી એક અનેક બોંબ ફેંકવામાં આવ્યા હતાં.

બેલિંગકેટનાં શોધકર્તા ટ્રેવર બોલે વીડિયોના લોકેશનનો અભ્યાસ કરી જણાવ્યું હતું કે આ હુમલો સ્કૂલની ખૂબ જ નજીક કરવામાં આવ્યો હતો.

શોધકર્તાઓનાં જણાવ્યા અનુસાર વીડિયોમાં જાેવા મળતા હથિયારની ઓળખ ટોમહોક ક્રૂઝ મિસાઇલ તરીકે કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રકારની મિસાઇલ આ યુદ્ધમાં ફક્ત અમેરિકાની પાસે જ છે. જાે કે આ હુમલામાં ઉપયોગમાં લેવાયેલ બોંબના ટુકડાઓનાં કોઇ સ્પષ્ટ ફોટા સામે આવ્યા નથી. યુદ્ધની સ્થિતિને કારણે કોઇ સ્વતંત્ર તપાસ એજન્સીને ઘટનાસ્થળની મુલાકાત લેવાની તક મળી નથી.