૪ જાન્યુઆરીથી ૧૮ જાન્યુઆરી દરમિયાન આસામના કાઝીરંગા વાઘ અભયારણ્યમાં ત્રણ રોયલ બંગાળ વાઘ મૃત હાલતમાં મળી આવ્યા હતા, અને પ્રાથમિક તપાસમાં આ મૃત્યુનું કારણ આંતરિક લડાઈ હોવાનું જણાવાયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે કાઝીરંગા જેવા ઉચ્ચ ઘનતાવાળા વાઘ નિવાસસ્થાનોમાં આંતરિક લડાઈને મૃત્યુનું કુદરતી કારણ માનવામાં આવે છે.
૪ જાન્યુઆરીના રોજ, બાગોરીમાં અનામતના પશ્ચિમ રેન્જના પશ્ચિમ બિમોલી વિસ્તારમાંથી એક માદા વાઘનું શબ મળી આવ્યું હતું. રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ ની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર મુજબ રચાયેલી સમિતિએ પોસ્ટમોર્ટમ તપાસ હાથ ધરી હતી, જેમાં સૂચવવામાં આવ્યું હતું કે વાઘનું મૃત્યુ આંતરિક લડાઈને કારણે થયું હતું.
દસ દિવસ પછી, પૂર્વ રેન્જના થુટે ચાપોરી ખાતે બે થી ત્રણ વર્ષનો અંદાજિત રોયલ બંગાળ વાઘ મૃત હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસ કરનારા પશુચિકિત્સા અધિકારીઓએ સૂચવ્યું હતું કે મૃત્યુ કુદરતી હોઈ શકે છે અથવા આંતરિક લડાઈનું પરિણામ હોઈ શકે છે.
૧૮ જાન્યુઆરીના રોજ, બાગોરીમાં પશ્ચિમ રેન્જના કાઠપોરા વિસ્તારમાંથી બીજી માદા વાઘનું શબ મળી આવ્યું હતું.
કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અને વાઘ અભયારણ્યના ડિરેક્ટર સોનાલી ઘોષે દ્ગ્ઝ્રછ માર્ગદર્શિકા અનુસાર શબના પોસ્ટમોર્ટમ અને નિકાલ માટે એક સમિતિની રચના કરી હતી. પ્રારંભિક તારણો ફરીથી સૂચવે છે કે મૃત્યુનું કારણ આંતરિક લડાઈ છે.
ઘોષે જણાવ્યું હતું કે વાઘની વસ્તી વધુ અને વિસ્તરતી હોય તેવા વિસ્તારોમાં વાઘ વચ્ચે પ્રાદેશિક અથડામણો સામાન્ય છે. “મુખ્યત્વે પ્રાદેશિક વિસ્તરણ અને વર્ચસ્વના વર્તનને કારણે આંતરિક લડાઈ થાય છે અને તેને કુદરતી ઘટના માનવામાં આવે છે,” તેણીએ કહ્યું.
ગયા વર્ષે હાથ ધરાયેલા તાજેતરના વાઘ અંદાજ મુજબ, કાઝીરંગા વાઘ અભયારણ્યમાં ૧૪૮ રોયલ બંગાળ વાઘ હતા.

