યુવતીઓ પગપાળા જઇ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો
કારે ૭ યુવતીઓને કચડી નાખતા ચારના મોત, ત્રણ યુવતી ઘાયલ
ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં ગંગા એક્સપ્રેસ-વે પર રવિવારે રાત્રે એક કાળજું કંપાવનારી ઘટના બની છે. એક બેકાબૂ કારે ભંડારામાંથી પરત ફરી રહેલી ૭ યુવતીઓને કચડી નાખી હતી, જેમાં એક કિશોરી સહિત ૪ લોકોના કરુણ મોત નીપજ્યા છે. રાયબરેલી જિલ્લામાં ગંગા એક્સપ્રેસ-વે પર સુલતાનપુર જનૌલી પાસે રવિવારે રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જગતપુરના કોડર ગામની સાત યુવતીઓ અને મહિલાઓ ચૂલી ગામમાં આયોજિત ભંડારામાં પ્રસાદ લઈને પગપાળા ઘરે પરત ફરી રહી હતી ત્યારે પાછળથી આવતી એક પૂરઝડપે કારે તેમને અડફેટે લીધી હતી. આ ટક્કર એટલી જાેરદાર હતી કે બે યુવતીઓ – હિમાંશી (ઉ.૨૩) અને શાલીની (ઉ.૨૨) ના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે આસમા (ઉ.૨૨) અને રશ્મિ (ઉ.૧૪) એ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.
અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જાેવા મળ્યો હતો. ગ્રામજનોનો આરોપ છે કે અકસ્માતની સૂચના આપ્યાના અડધા કલાક પછી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ પહોંચ્યા પછી પણ અડધા કલાક સુધી એમ્બ્યુલન્સનો દરવાજાે જ ખુલ્યો ન હતો. આ ગંભીર બેદરકારીને કારણે ઘાયલોની સારવારમાં વિલંબ થયો હતો. બીજી તરફ, રેલ્વે ક્રોસિંગ બંધ હોવાને કારણે હાઈવે પર ૨ કિમી સુધીનો જામ લાગ્યો હતો, જેના લીધે અન્ય કોઈ વાહન પણ તાત્કાલિક પહોંચી શક્યું ન હતું. ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે કારને કબજે કરી લીધી છે, જાેકે ડ્રાઈવર અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો. હાલમાં પોલીસે ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી છે .

