National

સિક્કિમમાં હિમવર્ષા-ભૂસ્ખલન, સેનાએ ફસાયેલા ૧૩૫ પ્રવાસીઓને બચાવ્યા

સિક્કિમમાં ભારે હિમવર્ષા વચ્ચે ઘણી જગ્યાએ ભૂસ્ખલનને કારણે માર્ગ સંપર્ક તૂટી ગયો. લાચેનમાં લગભગ ૧,૦૦૦ પ્રવાસીઓ ફસાયેલા છે અને તેમને વહેલી તકે બચાવવા માટે સતત પ્રયાસો ચાલુ છે. સેનાએ કુલ ૧૩૫ ફસાયેલા પ્રવાસીઓને બચાવ્યા છે. ઉત્તર ભારતમાં ૩ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી એપ્રિલમાં પણ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજસ્થાનમાં ૨૦ દિવસથી બદલાયેલા હવામાનને કારણે તાપમાન ૭ ડિગ્રી સુધી ઘટ્યું છે.

હવામાન વિભાગે ગુરુવાર માટે છત્તીસગઢ અને બિહાર સહિત ૧૭ રાજ્યોમાં વાવાઝોડાનું એલર્ટ જાહેર કર્યું છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, સિક્કિમ, બંગાળ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે.બિહારમાં કાલ વૈશાખી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. કાલ વૈશાખી અચાનક આવતું તેજ વાવાઝોડું હોય છે. તે એપ્રિલ-મે (વૈશાખ) માં આવે છે. તેના સક્રિય થવા પર ૫૦-૧૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાય છે, વરસાદ અને કરા પડે છે. તે ઝડપથી સમાપ્ત થઈ જાય છે.