ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સબરીમાલા કેસની સુનાવણી દરમિયાન મંદિરોના રીતિ-રિવાજાેનો ઉલ્લેખ થયો. જસ્ટિસ નાગરત્નાએ કહ્યું કે મંદિરોમાં ફક્ત ખાસ સમુદાયની એન્ટ્રી અને બહારના લોકોની મનાઈથી સમાજ વહેંચાશે. આ હિંદુ ધર્મ માટે યોગ્ય નથી. તેમણે આગળ કહ્યું કે માની લો (સબરીમાલા કેસને બાદ કરતાં), જાે એમ કહેવામાં આવે કે ફક્ત ગૌડ સારસ્વત લોકો જ એક મંદિરમાં આવે અથવા કાંચી મઠના લોકો ફક્ત કાંચી જ જાય, બીજા મઠોમાં (જેમ કે શૃંગેરી) ન જાય તો તે યોગ્ય નહીં હોય. જેટલા વધુ લોકો અલગ-અલગ મંદિરો અને મઠોમાં જશે, તેટલો જ ધર્મ મજબૂત બનશે.બીજી તરફ કેન્દ્ર સરકાર વતી હાજર થયેલા સિનિયર એડવોકેટ વૈદ્યનાથને કહ્યું કે ઇતિહાસમાં આવા ઘણા ઉદાહરણો આપણી સામે છે, જ્યારે ધર્મ સાથે જાેડાયેલા વિવાદો સંવેદનશીલ હોય છે. ત્યાં અદાલતો હસ્તક્ષેપ કરતી નથી.સુપ્રીમ કોર્ટની ૯ જજાેની બેન્ચે ગુરુવારે ધાર્મિક સ્થળો પર મહિલાઓ સાથે ભેદભાવ સંબંધિત કેસોમાં સતત ત્રીજા દિવસે સુનાવણી કરી. તેમાં વિવિધ ધર્મોમાં પ્રચલિત ધાર્મિક સ્વતંત્રતાની સીમા અને દાયરા પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.

