National

ચારધામ યાત્રા ૨૦૨૬: ૧૯ એપ્રિલથી પ્રારંભ ૧૫ એપ્રિલથી હેલીકોપ્ટર બુકીન્ગની થશે શરૂઆત

સૌથી પવિત્ર ગણાતી એવી ચારધામ યાત્રાનો પ્રારંભ આ વર્ષે ૧૯ એપ્રિલ ૨૦૨૬થી થઈ રહ્યો છે, જ્યારે બાબા કેદારનાથના કપાટ શ્રદ્ધાળુઓ માટે ૨૨ એપ્રિલના રોજ ખોલવામાં આવશે. આ યાત્રા શરૂ થાય તે પહેલા જ આગામી ૧૫ એપ્રિલ ૨૦૨૬ના રોજ સાંજે ૬ વાગ્યાથી કેદારનાથ હેલિકોપ્ટર સર્વિસ માટેનું બુકિંગ શરૂ કરી દેવાશે. જે શ્રદ્ધાળુઓ હેલિકોપ્ટર દ્વારા કેદારનાથના દર્શન કરવા માંગતા હોય, તેઓ ઓનલાઈન માધ્યમથી પોતાની ટિકિટ બુક કરાવી શકશે. જણાવી દઈએ કે, અગાઉ ૧૧ એપ્રિલ (આજ)થી બુકિંગની શરૂઆત થવાની હતી. જાેકે હવે તારીખ બદલાઈ છે.

ટિકિટ બુકિંગમાં પારદર્શિતા જળવાય અને છેતરપિંડી અટકે તે માટે વહીવટીતંત્ર દ્વારા માત્ર IRCTC ની સત્તાવાર વેબસાઇટ heliyatra.i®cc.co.in પર જ બુકિંગની સુવિધા આપવામાં આવી છે. શ્રદ્ધાળુઓએ અન્ય કોઈ વેબસાઇટ કે એજન્ટ દ્વારા ટિકિટ બુક ન કરવા વિનંતી કરવામાં આવી છે. બુકિંગ કરવા માટે યુઝરે પોતાના મોબાઈલ નંબર અને OTP દ્વારા લોગઈન કરવાનું રહેશે. ત્યારબાદ યાત્રાની તારીખ, હેલીપેડ અને સમયનો સ્લોટ પસંદ કરી, યાત્રીઓનું નામ, ઉંમર અને આધાર કાર્ડ નંબર જેવી વિગતો ભરીને ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. ખાસ નોંધનીય છે કે, આ માટે ઉત્તરાખંડ પર્યટન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું પણ ફરજિયાત છે.

હેલિકોપ્ટર સેવાનું ભાડું

કેદારનાથ માટે હેલિકોપ્ટર સેવા ત્રણ મુખ્ય સ્થળોએથી સંચાલિત થાય છે, જેમાં આવવા-જવા બંનેનું ભાડું નીચે મુજબ છે:

ગુપ્તકાશીથી કેદારનાથ: અંદાજે ૧૨,૭૬૨ રૂપિયા

ફાટાથી કેદારનાથ: અંદાજે ૧૦,૧૬૪ રૂપિયા

સિરસીથી કેદારનાથ: અંદાજે ૬,૩૯૦ રૂપિયા

શ્રદ્ધાળુઓ પોતાની અનુકૂળતા મુજબ આ સ્થળો પરથી હેલિકોપ્ટર સેવાનો લાભ લઈ બાબા કેદારના દર્શન કરી શકશે. આ યાત્રા ભારત માટે ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વ ધરાવે છે અને ડિજિટલ બુકિંગને કારણે યાત્રીઓ માટે આ પ્રક્રિયા વધુ સરળ બની છે.