National

પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતો માટે આગામી ૨૨મો હપ્તો મેળવવા ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી

રાજ્યના બાકી હોય તેવા ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરાયો

કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતો માટે આગામી ૨૨મો હપ્તો મેળવવા ફાર્મર રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ સરળતાથી મેળવવા માટે આ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવું ખૂબ જ જરૂરી છે. જેથી રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય તેવા રાજ્યના ખેડૂત ખાતેદારોને તાત્કાલિક ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી લેવા ખેતી નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

ભારત સરકાર દ્વારા Digital Public Infrastructure for Agriculture ના ભાગરૂપે ‘એગ્રીસ્ટેક પ્રોજેક્ટ’ અમલમાં મુકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં વર્ષ ૨૦૨૪-૨૫થી તમામ ખેડૂતોના રજીસ્ટ્રેશન માટે ફાર્મર રજીસ્ટ્રી શરૂ કરવામાં આવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી કૃષિ સંબંધિત વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ રાજ્યના તમામ ખેડૂતોને સરળ, પારદર્શક અને સમયસર રીતે પહોંચાડવાનો છે. ફાર્મર રજીસ્ટ્રી પર કરવામાં આવેલા રજીસ્ટ્રેશન થકી દરેક ખેડૂતને આધાર આઈડીની જેમ ૧૧ અંકનો યુનિક ફાર્મર આઈડી આપવામાં આવે છે.

ખેતી નિયામકની કચેરીની યાદીમાં જણાવ્યા અનુસાર ફાર્મર રજીસ્ટ્રેશન જે તે ગામના VCE/VLE ઓપરેટર અથવા જનસેવા કેન્દ્ર મારફતે કરાવી શકાય છે. તદુપરાંત ખેડૂત દ્વારા જાતે મોબાઈલ મારફતેgjfr.agristack.gov.in લીંક દ્વારા સેલ્ફ રજીસ્ટ્રેશન પણ કરી શકાય છે. ફાર્મર રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજ, આધાર કાર્ડ, આધારથી લિન્ક મોબાઈલ નંબર અને જમીનની વિગતો સાથે રાખવી જરૂરી છે.