જાે ગુનો સાબિત થાય તો ૧૫ વર્ષની જેલ અને ૧૦ હજાર ડોલરનો દંડ થઈ શકે
ફ્લોરિડાની પોલીસે ૭૩ વર્ષના એક ગુજરાતીની ધરપકડ કરી છે, રાજેન્દ્ર શેઠ નામના આ શખસ પર રોયલ કેરેબિયન ક્રુઝ પર એક છોકરી સાથે અભદ્ર હરકતો કરવાનો આરોપ છે. બ્રેવર્ડ કાઉન્ટી શેરિફ ઓફિસના જણાવ્યા અનુસાર સોમવારે પોલીસને આ ઘટના વિશે જાણ થઈ હતી. પોલીસનું કહેવું છે કે એક્સપ્લોરર ઓફ ધી સીઝ નામનું ક્રુઝ ઈન્ટરનેશનલ વોટર્સ પર હતું ત્યારે રાજેન્દ્ર શેઠે આ કથિત કૃત્યને અંજામ આપ્યો હતો. આ કેસની અરેસ્ટ એફિડેવિટને ટાંકતા કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં જણાવાયું છે કે પોલીસે વિક્ટિમને શોધ્યા બાદ તેની સાથે વાત કરી હતી, વિક્ટિમે એવો દાવો કર્યો હતો કે ગયા અઠવાડિયે તે ક્રુઝના ફ્લો રાઈડર એરિયામાં હતી ત્યારે કોઈ અજાણ્યા વૃદ્ધે તેની પાસે આવી વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસનું કહેવું છે કે મૂળ મુંબઈના રાજેન્દ્ર શેઠે છોકરી સાથે વાતચીત દરમિયાન તેના થાપા પર હાથ ફેરવ્યો હતો અને આવું તેમણે અનેકવાર કર્યું હતું, તે વખતે વિક્ટિમે ટુ પીસ બાથિંગ સ્ટૂટ એટલે કે બિકિની પહેરી હતી. આ કેસની તપાસ દરમિયાન પોલીસે ક્રુઝ શિપના સર્વેલન્સ ફુટેજ પણ ચેક કર્યા હતા જેમાં રાજેન્દ્ર શેઠે આ હરકત કરી હોવાની પુષ્ટિ થયા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. રાજેન્દ્ર શેઠ પર બદઈરાદા સાથે માઈનોરને સ્પર્શ કરવાનો ચાર્જ લગાવવામાં આવી શકે છે. તેમના પર હાલ ૩૫ હજાર ડોલરના બોન્ડ મૂકવામાં આવ્યા છે અને તેમને માર્ચ ૧૨ના રોજ કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવશે. પોલીસ રેકોર્ડ્સ અનુસાર ફેબ્રુઆરી ૧૬ના રોજ પોર્ટ કનેવરલમાંથી રાજેન્દ્ર શેઠની ધરપકડ કરવામાં આવી હતી. ફ્લોરિડાના કાયદા અનુસાર આવા કેસમાં જાે વિક્ટિમની ઉંમર ૧૮ વર્ષથી ઓછી હોય તો ગુનો સાબિત થવા પર આરોપીને ૧૫ વર્ષ સુધીની જેલ અને દસ હજાર ડોલરનો દંડ થઈ શકે છે.

