National

રાંચીમાં જેલમાં બંધ માઓવાદી નેતા પ્રશાંત બોઝ ‘કિશન દા‘ નું અવસાન

ઝારખંડ પોલીસે જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી ઝારખંડમાં જેલમાં બંધ ટોચના માઓવાદી નેતા પ્રશાંત બોઝનું રાજ્ય સંચાલિત રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ માં અવસાન થયું છે.

‘કિશન દા‘ તરીકે જાણીતા માઓવાદી નેતા ૮૦ વર્ષથી વધુ ઉંમરના હતા.

“બિરસા મુંડા જેલમાં બંધ બોઝની તબિયત આજે સવારે બગડી હતી, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.” રાંચીના એસએસપી રાકેશ રંજને પીટીઆઈને જણાવ્યું હતું.

‘મનીષ‘ અને ‘બુદ્ધ‘ ઉપનામોથી જાણીતા બોઝની તેમની પત્ની શીલા મરાંડી સાથે ૧૨ નવેમ્બર, ૨૦૨૧ ના રોજ સરાઈકેલા-ખરસાવન જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ સમયે તેમના માથા પર ?૧ કરોડનું ઇનામ હતું.

તે ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં થયેલા ૧૦૦ થી વધુ હુમલા અને આગચંપીના બનાવોનો માસ્ટરમાઇન્ડ હતો.

બોસ પ્રતિબંધિત સંગઠન સીપીઆઈ (માઓવાદી) ના કેન્દ્રીય સમિતિ, પોલિટબ્યુરો અને કેન્દ્રીય લશ્કરી કમિશનના સક્રિય સભ્ય હતા.

ઝારખંડે ઓગસ્ટ ૨૦૧૮ માં પશ્ચિમ બંગાળના વતની બોસના માથા પર ૧ કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. અન્ય રાજ્યોએ પણ ઇનામ જાહેર કર્યા હતા.

તે પૂર્વના અનેક રાજ્યોમાં માઓવાદી પ્રવૃત્તિઓનો હવાલો સંભાળતો હતો અને સારંડાના જંગલોમાંથી તેનું સંચાલન કરતો હોવાનું માનવામાં આવે છે.